SURAT

ઉધના-સુરત રેલવે સ્ટેશન: બે ટ્રેન માટે 12 હજારથી વધુ પ્રવાસી ઉમટી પડતાં પોલીસ સ્ટાફ ઓછો પડ્યો

સુરત: રેલવે અનુભવમાંથી પણ બોધપાઠ લેતી નથી એવું જણાઈ રહ્યું છે. ગતવર્ષે સુરત રેલવે સ્ટેશનમાં ભાગદોડમાં કચડાઈ જવાથી એક પ્રવાસીનું મોત નીપજ્યું હતું. ત્યારે આજે બાંદ્રામાં ભાગદોડ મચી જતા 10થી વધુ પ્રવાસીઓને ઇજા થઈ હતી. બીજી તરફ ઉધના સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા એટલી હદે વધી ગઈ કે ભીડને કાબુ કરતા પોલીસના નાકે દમ આવી ગયો હતો. બે ટ્રેન માટે 12 હજારથી વધુ લોકો પહોંચી જતા પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો. તેમજ સુરત રેલવે સ્ટેશન પર હજારો પ્રવાસીઓ આવી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ કર્મચારીઓ ઓછા પડતા રેલવેના કર્મચારીઓ પણ ક્રાઉડ મેનેજમેન્ટમાં લાગી ગયા હતા.

ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરીસા, પશ્ચિમ બંગાળના લાખો લોકો રોજગાર અર્થે સુરતમાં વસે છે. તેમને વતન જવા માટે ટ્રેન જ એકમાત્ર યોગ્ય સાધન છે. દિવાળીમાં પરપ્રાંતના લોકો તેમના વતન જતા હોય છે, પરંતુ તેમના માટે ગણતરીની ટ્રેનો છે. તેથી બે હજારની ક્ષમતા ધરાવતી ટ્રેનોમાં 5-5 હજાર મુસાફરો પ્રવાસ કરવાનો પ્રયાસ કરે છે. આમ ભીડ અચાનક વધી જવાથી ક્યારેક દુર્ઘટના પણ સર્જાતી હોય છે.

ગત વર્ષે સુરત રેલવે સ્ટેશન પર ભીડમાં કચડાઈ જવાના કારણે એક પ્રવાસીનું મોત નીપજ્યું હતું અને ચારેકને ઇજા થઈ હતી. આજે બાંદ્રામાં ભીડમાં લોકોએ ભાગદોડ કરતા 10થી વધુ પ્રવાસીઓને ઇજા થઈ હતી. તેમ છતા રેલવેના અધિકારીઓ કાંઈ બોધપાઠ લેતા હોય એવું જણાતું નથી. 2024ની દિવાળીના વેકેશન દરમિયાન રેલવેએ પહેલેથી ટ્રેનો દોડાવવાની જાહેરાત તો કરી હતી, પરંતુ તે પુરતી ન હતી. આજે સવારે ઉધનાથી ઉત્તર પ્રદેશ-બિહારથી ઉપડતી ટ્રેન માટે શનિવાર રાત્રે 10 વાગ્યાથી પ્રવાસીઓ ઉધના અને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા. ઉધના રેલવે સ્ટેશન પર બે ટ્રેન માટે 12 હજારથી વધુ પ્રવાસીઓ સ્ટેશન પર ભેગા થઈ ગયા હતા. તેમને કાબુમાં કરતા જીઆરપી અને આરપીએફના નાકે દમ આવી ગયો હતો. નાછૂટકે પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો. સુરત અને ઉધનામાં ભીડ વધી જતા પોલીસ કર્મચારીઓ ઓછા પડી ગયા હતાં, જેથી રેલવેના કર્મચારીઓ પણ ક્રાઉડ મેનેજમેન્ટમાં લાગી ગયા હતા.

સુરતથી મુંબઈ સુધીના રેલવે સ્ટેશનોએ 8 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
હાલ પુરતા પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર રેલવે તંત્રએ પ્રતિબંધ મૂકી દીધો છે. પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનિત અભિષેકે જણાવ્યું હતું કે તહેવારોના સિઝનમાં ભારે ભીડને કાબુમાં કરવા માટે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના સુરત, ઉધના, વલસાડ, વાપી, વસઈ રોડ, બોરીવલી, બાંદ્રા ટર્મિનંસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ 8 નવેમ્બર સુધી લાગુ રહેશે. માત્ર સિનિયર સિટિઝન અને મેડિકલની જરૂરિયાતવાળા પ્રવાસીઓ સાથેના લોકોને જ પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવશે.


ભીડ ભાળી રેલવેએ ઉધનાથી તાત્કાલિક એક વધારાની ટ્રેનની જાહેરાત કરી
ઉધના સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડને જોઈને રેલવેએ તાત્કાલિક વધારાની એક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે. આ ટ્રેનની જાહેરાત ઉધના રેલવે સ્ટેશન પર લાઉડ સ્પીકરથી કરવામાં આવી હતી, જેથી પ્રવાસીઓને રાહત રહે કે તેમને માટે વધુ એક ટ્રેન છે. આ ટ્રેન આજે રાત્રે 23.20 વાગે ઉધનાથી રવાના થઈને મંગળવારે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન સુરત, સાયણ, અંકલેશ્વર, વડોદરા, રતલામ, નાગદા, બીના, કાનપુર અને લખનૌ થઈને ગોરખપુર પહોંચશે.

રેલવેએ ભીડમાં 6500 પાણીની બોટલો અને 2000થી વધુ ફૂડ પેકેટ્સ વહેંચ્યા
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનિત અભિષેકે જણાવ્યું હતું કે ઉધના સ્ટેશન પર આવેલા પ્રવાસીઓને 200 એમએલની પાણીની 6500 બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 2000થી વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરત હશે તો વધુ સુવિધા પ્રવાસીઓને આપવામાં આવશે.

Most Popular

To Top