SURAT

હવે સુરતમાં બુલડોઝર ફર્યું, ઉધનાના ગેંગસ્ટર રાહુલ દીપડેનું મકાન હથોડા ઝીંકી તોડી પડાયું

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીંકીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુલના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા ત્રણ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે.

ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. પોલીસે તપાસમાં જાણ્યું કે આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રિય હેડક્વાર્ટર તરીકે કામ કરતાં હતા જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. કાયદાની લાલઆંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે, જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલા છે.

1300 ગુનેગારોનું લિસ્ટ બનાવાયું
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મળતાની સાથે જ લિસ્ટ બન્યા અંગે ડીસીપી ભાવેશ રોઝીયાએ કહ્યું કે, અસામાજિક તત્ત્વો, બોડી ઑફેન્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને પ્રોપર્ટી ઑફેન્સમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરવા અને તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ટાર્ગેટ મુજબ વિશેષ તપાસ શરૂ કરી છે, જેમાં 1300 ગુનેગારોને ઓળખી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top