મુંબઈ(Mumbai) : છેલ્લાં એક અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલતા રાજકીય ધમાસાણ (Political Crisis) વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thakrey) રાજીનામું (Resignation) નહીં આપે. મહારાષ્ટ્ર સરકારની ચાલતી કેબિનેટ (Cabinet) બેઠકમાંથી આ માહિતી બહાર આવી છે. હજુ અધિકૃત રીતે આ સમાચારને કોઈ સમર્થન સાંપડ્યું નથી, પરંતુ એવી વાત બહાર આવી છે કે ઉદ્ધવ ઠાકરે બળવાખોર ધારાસભ્યો સામે નહીં ઝૂકવાનું મન બનાવ્યું છે. કેબિનેટની બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી. બેઠકમાં હાજર કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ પણ ઉદ્ધવના નિર્ણયને આવકાર્યો છે. અગાઉ એનસીપી પ્રમુખ શરદ પવારે પણ ઉદ્ધવ ઠાકરેને આ જ સલાહ આપી હતી.
સોનિયા ગાંધીના ફોન બાદ ઉદ્ધવ ઠાકરેએ મન બદલ્યું હોવાની ચર્ચા
મહારાષ્ટ્રમાં ઝડપથી બદલાતી રાજકીય રમતની વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓ વચ્ચે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. એવી વાત પણ ચાલી રહી છે કે એનસીપીના સમર્થન બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જાતે ફોન કરી ઉદ્ધવ ઠાકરેને સહકારનો વિશ્વાસ આપતા ઉદ્ધવ ઠાકરેની હિંમત વધી છે અને હવે બળવાખોરો સામે નહીં ઝૂકવાનું મન ઠાકરેએ બનાવ્યું છે.
બળવાખોર ધારાસભ્યોને ઉદ્ધવ ઠાકરેની ભાવુક અપીલ
આ અગાઉ આજે મંગળવારે બપોરે રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો જોગ એક સંદેશ જાહેર કર્યો હતો, જેમાં ઉદ્ધવ ઠાકરેએ એવી અપીલ કરી હતી કે પરિવારના વડા તરીકે મને તમારી (બળવાખોર ધારાસભ્યોની) ચિંતા છે. તમને કેદ કરીને ગુવાહાટીમાં રાખવામાં આવ્યા છે. દરરોજ તમારા વિશે નવી માહિતી મારી સામે આવી રહી છે. તમારામાંથી ઘણા મારા સંપર્કમાં છે. તમે લોકો હજુ પણ દિલથી શિવસેના સાથે છો. એક પ્રમુખ તરીકે હું એટલી જ અપીલ કરી શકું કે હજુ મોડું નથી થયું. તમે લોકો મુંબઈ આવો અને મારી સામે બેસીને વાત કરો. તમારા મનમાં જે શંકા ચાલી રહી છે દૂર કરવા માટે મારી સાથે બેસી વાત કરો. આપણે ચોક્કસપણે સાથે મળીને નવો માર્ગ શોધીશું. શિવસેનાએ તમને જે સન્માન આપ્યું છે તે બીજે ક્યાંય નહીં મળે.