નવસારી: (Navsari) ઉભરાટ-મરોલી રોડ પર ભૂંડ (Pig) વચ્ચે આવી જતા પ્રેમી-પ્રેમિકાની (Lovers) બાઈક (Bike) સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં પ્રેમિકાનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. શ્યામલભાઈની બાઈકના આગળના વ્હીલમાં ભૂંડ અથડાતા શ્યામલભાઈ અને પદમાબેન રસ્તા (Roads) પર પટકાયા હતા. જેમાં પદમાબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરત કડોદરા વરેલી હોસ્પિટલની પાછળ નવા હળપતિવાસમાં પદમાબેન નરેશભાઈ રાઠોડ (ઉ.વ. 36) તેમના પરિવાર સાથે રહેતી હતી. ગત 20મીએ પદમાબેન પ્રેમી શ્યામલભાઈ સાથે બાઈક (નં. જીજે-05-કેઈ-9415) ઉભરાટથી પરત ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ઉભરાટ-મરોલી રોડ પર માંગરોળ ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક ભૂંડ આવી શ્યામલભાઈની બાઈકના આગળના વ્હીલમાં અથડાતા શ્યામલભાઈ અને પદમાબેન રસ્તા પર પટકાયા હતા. જેમાં પદમાબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે શ્યામલભાઈને શરીરે છોલાઈ જતા ઈજા થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે આકાશભાઈ રાઠોડની ફરિયાદને આધારે મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે.
મરોલી-ચોખડ રસ્તા પર બાઈક ભેંસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત
નવસારી : મરોલી-ચોખડ રસ્તા પર બાઈક ભેંસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના ચોખડ ગામે નવી નગરીમાં રહેતા સુનિલભાઈ લાલુભાઈ રાઠોડ (ઉ.વ. 29) ગત 10મીએ તેમની બાઈક લઈને ક્યાંક ગયા હતા. જ્યાંથી તેઓ પરત ઘરે આવી રહ્યા હતા. દરમિયાન મરોલી ચાર રસ્તાથી ચોખડ ગામે જતા રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભેંસ આવી જતા સુનિલભાઈની બાઈક અથડાઈ હતી. જેના પગલે સુનિલભાઈ રસ્તા પર પટકાતા શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ પ્રાથમિક સારવાર અર્થે ગાર્ડી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખાતે રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો મરોલી પોલીસ મથકે મોકલતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે.