આ વર્ષે વર્ષની છેલ્લી ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ US ઓપન થોડી અલગ રહી હતી. એક તો તેમાં પુરૂષ સિંગલ્સના બે દિગ્ગજ ખેલાડીની ગેરહાજરી હતી, બીજું કે મહિલા િસંગલ્સ અને ડબલ્સની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે US ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં તેની છેલ્લી મેચ રમી લીધી, પુરૂષ સિંગલ્સમાં રાફેલ નડાલ ચોથા રાઉન્ડમાં હારી ગયો હતો જ્યારે નોવાક જોકોવિચ કોરોનાની રસી ન લીધી હોવાથી તો રોજર ફેડરર લાંબા બ્રેક પર હોવાથી ટુર્નામેન્ટમાં રમી શક્યા નથી. આ ચારેય ખેલાડીઓએ બે દાયકાથી વધુ સમય સુધી ટેનિસમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ચારેયના નામે કુલ 86 ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ટાઇટલ છે.
તેઓ દરેકે ઓછામાં ઓછા 20 ટાઇટલ જીત્યા છે. પરંતુ આ વખતે આ 4માંથી એક પણ ખેલાડી US ઓપનની ફાઇનલમાં નથી. તો શું આ ઓપન એરાના ઇતિહાસમાં તેમના યુગનો અંત આવી રહ્યાની નિશાની ગણી શકાય? 36 વર્ષના નડાલને જ્યારે ચોથા રાઉન્ડમાં અમેરિકાના 24 વર્ષના 22મા ક્રમાંકિત ફ્રાન્સિસ ટિયાફો સામે 6-4, 4-6, 6-4, 6-3થી હાર્યા બાદ આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ફિલોસોફિકલ રીતે જવાબ આપતા નડાલે કહ્યું હતું કે કેટલાક જાય છે, કેટલાક આવે છે. દુનિયા ચાલે છે, આ કુદરતનો નિયમ છે. સ્પેનના આ દિગ્ગજ ટેનિસ સ્ટારે કહ્યું હતું કે તે જાણતો નથી કે તે આગળ ક્યારે રમશે કારણ કે તે હવે પોતાના પરિવાર સાથે સમય ગાળવા માગે છે.
મારી પત્નીને હું એટલો સમય આપી શક્યો નથી જેટલાની તે હકદાર છે અને મને તેના પર ગર્વ છે કે તે મારી સ્થિતિને સમજે છે અને તેણે મને ભરપૂર સહકાર આપ્યો છે અને તેથી હવે હું તેની સાથે સમય પસાર કરવા ઇચ્છું છું. US ઓપન શરૂ થઇ તેના પહેલાથી જ અમેરિકાની દિગ્ગજ મહિલા ખેલાડી અને 23 ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનારી સેરેનાએ સંકેત આપ્યો હતો કે આ તેની છેલ્લી US ઓપન હશે અને તે પછી તે પ્રોફેશનલ ટેનિસને અલવિદા કરી દેશે. સેરેનાએ પોતાની પુત્રી ઓલમ્પિયાને સમય આપવા અને સાથે જ વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેનિસ છોડવાનો નિર્ણય કર્યો હતો.
હાલની US ઓપનની વાત કરીએ તો હાલમાં US ઓપન મહિલા અને પુરુષ વિભાગમાં ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવનાર 16 ખેલાડીઓમાંથી 15 ખેલાડીઓએ હજુ સુધી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું નથી. તેમાંથી, ઇંગા સ્વિયાટેક એકમાત્ર એવી ખેલાડી છે જેણે બે વખત ફ્રેન્ચ ઓપન જીતી છે અને તે વિશ્વ રેન્કિંગમાં નંબર 1 છે. અમેરિકન ટેનિસ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, 1968માં શરૂ થયેલા પ્રોફેશનલ એરા પછી પ્રથમ વખત એવું બન્યું છે કે 15 ખેલાડીઓ કે જેે અગાઉ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા નથી.
તેઓ US ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા અને હવે સેમીફાઇનલમાં પણ એ જ સ્થિતિ છે, એકમાત્ર ઇગા સ્વીટેક જ મેજર ટાઇટલ જીતનારી ખેલાડી છે, તેના સિવાયના બાકીના 7 ખેલાડીઓમાંથી મોટાભાગના એવા છે કે જેઓ કોઇ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહેલી વાર પહોંચ્યા છે. ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં આવી છેલ્લી ઈવેન્ટ 2003ની વિમ્બલડન ટુર્નામેન્ટ રહી હતી, જ્યારે ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતેની આ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલા તમામ ખેલાડીઓએ ત્યાં સુધીમાં કોઈ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું ન હતું.
તે વર્ષે, રોજર ફેડરરે વિમ્બલડનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું અને પછી તે સંખ્યાને 20 ટાઇટલ સુધી લઇ ગયો છે. 41 વર્ષનો ફેડરર ડાબા ઘૂંટણના ઑપરેશનને કારણે ગયા વર્ષે જુલાઈમાં વિમ્બલડનમાં રમ્યા બાદથી ટુર્નામેન્ટ ચૂકી ગયો છે. તે ઓક્ટોબરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી સ્પર્ધામાં રમવાની યોજના ધરાવે છે અને 2023માં વિમ્બલડનમાં રમવાની પણ યોજના ધરાવે છે. પરંતુ તે પછી શું થશે તે કોઈને ખબર નથી. જોકોવિચ હાલમાં 35 વર્ષનો છે અને તે થોડા વર્ષો સુધી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલનો દાવેદાર રહી શકે છે.
પરંતુ હાલના સંજોગોમાં, તે ફક્ત તે જ દેશોમાં રમી શકે છે જ્યાં કોરોનાની રસી લેવી ફરજિયાત નથી, તેના સિવાયના દેશોમાં કદાચ તે રમી નહીં શકે. જોકોવિચને આ વર્ષની શરૂઆતમાં કોરોનાની રસી ન લેવાના કારણે ઓસ્ટ્રેલિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે US ઓપન રમવા માટે કોરોના પ્રોટોકોલને કારણે તે ન્યૂયોર્કનો પ્રવાસ કરી શક્યો નહોતો. જોકોવિચ અને નડાલે મળીને આ વર્ષની શરૂઆતમાં 3 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા. તેમણે છેલ્લા 17માંથી 15 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા હતા. જો આમાં ફેડરરને પણ ઉમેરવામાં આવે તો આ ત્રણે મળીને છેલ્લા 22માંથી 20 ટાઇટલ જીત્યા છે.
જો આ આંકડાને આગળ લેવામાં આવે તો આ ત્રણેય પાસે છેલ્લા 76 ગ્રાન્ડ સ્લેમમાંથી 63 ટાઇટલ છે. આ સિવાય એન્ડી મરે અને સ્ટેન વાવરિંકાએ આ સમયગાળા દરમિયાન એકથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા. આ બંનેના નામે ત્રણ ટાઈટલ છે. સેરેના પુત્રીના જન્મને કારણે લાંબા સમય પછી ટેનિસમાં પાછી ફરી હોવાથી તે કોઇ ટાઇટલ આ ગાળા દરમિયાન જીતી શકી નથી. હાલની આ સ્થિતિને ધ્યાને લેતા એવું કહી શકાય કે ઓપન એરામાં હવે એક યુગનો અંત આવી રહ્યો છે કે જેમાં દિગ્ગજોને સ્થાને હવે નવા ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવી રહ્યા છે.