અમદાવાદ: ઓકલેન્ડમાં (Auckland) અમદાવાદના (Ahmedabad) બે યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં (Sea) ડૂબી જવાની બે લોકોના મોત થયા છે. આ બે યુવક અમદાવાદના હોવાનું જાણવા મળતા ઈન્ડિયન હાઈ કમિશન દ્વારા તેેમના પરિવારને જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના 28 વર્ષીય સૌરિન નયનકુમાર અને 31 વર્ષીય અંશુલ શાહનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે. બે યુવક લગભગ ઓગસ્ટ-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ આવ્યા હતા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું તે પીહા બીચ પર ઈમરજન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા બાદ અચાનક જ બોલાવવામાં આવ્યા હતા. તેમજ સારવાર માટે તબીબો પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. લાઇફ ગાર્ડસ દ્વારા તેમને કિનારે લાવવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબો દ્વારા તેમને સારવાર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ હાજર તબીબે બંને યુવકને મૃત જાહેર કર્યા હતા.
પોલીસને પ્રાથમિક તપાસમાં 28 વર્ષીય સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યા હતા, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતા હતા અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતા. ઉલ્લેખનીય છે કે ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી જવાના અહેવાલ છે.
ઘટનાની જાણકારી મળતા જ ભારતીય હાઇ કમિશન હાલ પરિવારના સંપર્કમાં છે. તેમના મૃતદેહને ભારત પરત મોકલવા અંગે તજવી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અંશુલ અને સૌરીન પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વિમિંગ કરી રહ્યા હતા, તેમને લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવ્યા હતા જેમણે તેમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેમાં નિષ્ફળતા મળી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં મદદ કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે આ અંગે પોલીસને જાણ થઈ ત્યારે તેમણે બચાવ માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. હેલિકોપ્ટર દ્વારા એક વ્યક્તિને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બે લોકો એકસાથે પાણીમાં ડૂબ્યા હોવાનું કહી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે અમે લોકોને નક્કી કરેલી સીમા વચ્ચે લોકોને સ્વિમિંગ કરવા અપીલ કરીએ છીએ, જેથી આવી ઘટના ન બને.