Comments

પુતિને યુક્રેન પર યુદ્ધનો આદેશ આપ્યાના બે વર્ષ પછી, રશિયામાં શું બદલાયું છે?

૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ યુક્રેન પર આક્રમણ પછી અઠવાડિયામાં જ રશિયન ચલણ રૂબલ ક્રેશ થયું હતું અને વિદેશી રોકાણકારો રશિયા છોડી ભાગી ગયાં હતાં. અમેરિકાની આગેવાની હેઠળ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા પરંતુ રશિયન અર્થતંત્ર પ્રતિબંધો સામે ટકી રહ્યું છે. રશિયન અર્થતંત્ર અગાઉ પણ ઘણા તણાવમાંથી પસાર થયું છે. ૨૦૧૪માં રશિયા પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા અને રશિયાએ રાષ્ટ્રીય નાણાંકીય માળખાનું નિર્માણ કરીને અને નાણાંકીય ક્ષેત્ર પર પકડ મજબૂત કરીને તેમાંથી કેટલાક પાઠ લીધા હતા. ત્યાર બાદ કોવિડ કટોકટી દરમિયાન રશિયાએ ઝડપથી બદલાતા સંજોગોમાં લોજિસ્ટિક્સનું સફળ સંચાલન કર્યું છે.

પ્રતિબંધોના ધીમા અમલીકરણથી રશિયાને તેની તેલની નિકાસને ફરી પાટે ચડાવવાનો સમય મળ્યો હતો. યુરોપિયન યુનિયને રશિયામાંથી તેની આયાત અટકાવી દીધી, તેથી કેમેરૂન જેવા ત્રીજા દેશોમાં શેલ કંપનીઓ સાથે નોંધાયેલાં ભૂતિયાં જહાજોનો ઉપયોગ કરીને રશિયા ચીન અને ભારત તરફ વળ્યું. રશિયા પાસે તેના પેટ્રોલિયમ વેચાણની વિશાળ રોકડ અનામત છે, જે તેલના ભાવમાં કોઈ પણ ઘટાડાને સરભર કરવા માટે અલગ રાખવામાં આવ્યા હતા. હવે આ નાણાંનો ઉપયોગ યુદ્ધ માટે કરવામાં આવે છે.

મુખ્ય વૈશ્વિક બ્રાન્ડ્સ, જેમ કે મેકડોનાલ્ડ્સ અને સ્ટારબક્સ, રશિયા છોડી ગયા છે. તેઓને તેમની સંપત્તિ બજારમૂલ્યથી ઘણી નીચે વેચવાની ફરજ પડી છે. કેટલીક કંપનીઓનું અસરકારક રીતે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. પુતિનની સ્થિતિ જોઈએ તો ગયા વર્ષે વેગનર ભાડૂતી સૈન્યના નાટકીય બળવા છતાં, પુતિનની સ્થિતિ સ્થિર હોવાનું જણાય છે. આગામી માર્ચમાં યોજાનારી ચૂંટણીમાં તેઓ પાંચમી છ વર્ષની પ્રમુખપદની મુદત જીતશે તેવી અપેક્ષા છે. એ રીતે તેઓ જોસેફ સ્ટાલિનને પણ પાછળ છોડીને, ઝાર્સ પછી સૌથી વધુ સમય સુધી સત્તા પર રહેનાર રશિયન નેતા બનશે.

યુદ્ધે સમાજ પર ચોક્કસપણે અસર છોડી છે પરંતુ એકંદરે, જીવન ચાલે છે. હજુ પણ મ્યુઝિક કોન્સર્ટ અને પ્રદર્શનો ચાલે છે અને ગ્રાહકો હજુ પણ વિદેશી ચીજવસ્તુઓ ખરીદી શકે છે, જેમ કે કોકા-કોલા, જે ઉઝબેકિસ્તાન જેવા ત્રીજા દેશો દ્વારા મેળવવામાં આવે છે.

સ્વતંત્ર આઉટલેટ મીડિયાઝોનાના અહેવાલ મુજબ યુક્રેન મોરચે ફેબ્રુઆરી ૨૦૨૨થી લગભગ ૪૫,૦૦૦ રશિયનો માર્યા ગયા છે, જે અફઘાનિસ્તાન પર દાયકાના કબજા દરમિયાન રેડ આર્મીના નુકસાન કરતાં ત્રણ ગણું છે. તેમ છતાં, યુક્રેન કરતાં માનવશક્તિની દૃષ્ટિએ રશિયા પાસે વધુ સંસાધનો છે. રશિયા કોન્ટ્રાક્ટ સૈનિકોની ભરતી કરે છે જેમાં દેવાદાર, નાણાંકીય અને જીવનશૈલીની સમસ્યાઓ ધરાવતાં લોકો, એકલ પુરુષો, ભૂતપૂર્વ ગુનેગારો વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત ઘણા વિદેશીઓ પણ રશિયા વતી લડે છે. રશિયન સૈન્ય યુક્રેનિયન સૈન્ય કરતાં વધુ ઝડપથી તેની રેન્ક ભરી શકે છે. રશિયાનો સંરક્ષણ ઉદ્યોગ હજુ પણ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યો હોવાનું જણાય છે. જૂની સોવિયેત ફેક્ટરીઓમાં ઉત્પાદન ફરી શરૂ કરીને લશ્કરી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

પ્રતિબંધોને કારણે ઉત્પાદનખર્ચમાં વધારો થાય છે અને લોજિસ્ટિકલ સમસ્યાઓ પણ ઊભી થાય છે, પરંતુ શેલના ઉત્પાદનમાં અવરોધ નથી આવી રહ્યો. શસ્ત્રો બનાવવાની રશિયાની ઔદ્યોગિક ક્ષમતા ઘણી મોટી છે પરંતુ આ સમયે પૂરતી નથી, તેથી રશિયા ઉત્તર કોરિયા પાસેથી દારૂગોળો ખરીદે છે. ઉનાળામાં યુક્રેન તરફથી નિષ્ફળ પ્રતિરોધને કારણે રશિયન દળો ધીમે ધીમે આગળ વધ્યાં છે અને મહિનાઓ સુધી ચાલેલી લડાઈ પછી એવડીવકા શહેરને કબજે કર્યું છે. ડ્રોને રશિયાના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે અને જાન્યુઆરીમાં સેન્ટ પીટર્સબર્ગ નજીક ઇંધણ નિકાસ ટર્મિનલને ઉડાવી દીધું છે. યુક્રેને રશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર શ્રેણીબદ્ધ સફળ હુમલાઓ કર્યા છે અને ઘણાં મૂલ્યવાન એકમોને નષ્ટ કરવામાં આવ્યાં છે, પરંતુ આ હુમલાઓથી સમગ્ર ચિત્ર બદલાયું નથી, જે હજી પણ રશિયાની તરફેણમાં છે.
– ડૉ. જયનારાયણ વ્યાસ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top