વડોદરા: શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા સોદાગર આઇસ ફેક્ટરીનું ઇસ્કોન જનમહલે ભાડેથી રાખેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી સાચવણી કરનાર સિક્યુરિટી સુપરવાઇઝર તથા સિક્યુરિટી ગાર્ડને સયાજીગંજ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.પોલીસે 750 એમએલની રૂ.44,800ની 75 દારૂની બોટલો મળી કુલ રૂ,54,800ની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્રે નોંધનીય છે કે પોલીસે વેચાણ કરેલા દારૂના જથ્થાના 58 ખાલી બોક્સ પણ કબજે કર્યા છે.
સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે, ગણેશ નગરમાં રહેતા રાકેશ જયંતીલાલ ઠાકોર, હિતેશ ઉર્ફે ઇકો જયંતીલાલ ઠાકોર, અર્જુન ઉર્ફે બલ્લો જયંતીલાલ ઠાકોર, શકીલ મલંગમિયા શેખ અને જન મહેલના સિક્યુરિટી ગાર્ડ એજાજ ઈમ્તિયાઝ શેખએ મળીને રેલવે સ્ટેશન પાસે જનમહલના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી દારૂનું વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી એજાજ શેખ (રહે -હાજી મોહલ્લો, ભાંડવાળા, ફતેપુરા,) અને સિક્યુરિટી સુપરવાઇઝર શિવાજી રમેશ ભોંસલે ( રહે – સંજીવની હોસ્પિટલ પાસે) ને ઝડપી પાડયા હતા. પોલીસે ઉપરોક્ત એજાજ શેખ અને શિવાજી ભોંસલેની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી રાકેશ જેન્તીલાલ ઠાકોર, હિતેશ ઉર્ફે ઇકો જેન્તીલાલ ઠાકોર, અર્જુન ઉર્ફે બલ્લો જેન્તીલાલ ઠાકોર અને શકીલ મલંગમીયા શેખને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.