સુરત: જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે તેવા અમદાવાદથી મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ મહારાષ્ટ્રમાં તત્કાલિન સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં વિલંબ કરવામાં આવ્યો હોવાથી મહારાષ્ટ્રમાં કામગીરી ધીમી ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં બુલેટ ટ્રેનના વિવિધ સ્ટેશન પણ બનવા માંડ્યા છે.
- અમદાવાદથી મુંબઈને જોડતા હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટમાં બે બુલેટ ટ્રેન દોડશે, એક હાઈસ્પીડ અને બીજી રેપિડ હાઈસ્પીડ
- રેપિડ હાઈસ્પીડ ટ્રેન અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ ખાતે જ ઊભી રહેશે અને 2 કલાક અને 7 મિનિટનો સમય લેશે
- હાઈસ્પીડ બુલેટ ટ્રેન સાબરમતીથી શરૂ કરીને મુંબઈ સુધીના તમામ 12 સ્ટેશન પર ઊભી રહેશે અને 2 કલાક 58 મિનિટનો સમય લેશે
આમ તો બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધીનું 508 કિ.મી.નું અંતર ત્રણ જ કલાકમાં કાપી લેશે પરંતુ બુલેટ ટ્રેનમાં પણ બે પ્રકારની ટ્રેન દોડશે. જેમાં એક બુલેટ ટ્રેન હાઈસ્પીડ બુલેટ ટ્રેન હશે તો બીજી ટ્રેન હશે રેપિડ હાઈસ્પીડ બુલેટ ટ્રેન.
એક લાખ કરોડથી વધુનો ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેન આમ તો સાબરમતી સ્ટેશનથી શરૂ થશે અને તેનું અંતિમ સ્ટેશન મુંબઈ ખાતે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ એટલે કે બીકેસીમાં હશે. વચ્ચે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર અને થાને સ્ટેશને બુલેટ ટ્રેન ઊભી રહેશે.

બુલેટ ટ્રેન 320 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. બુલેટ ટ્રેનના દરેક સ્ટેશન અલગ અલગ જે તે શહેરની ઓળખ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. આમ તો મોટાભાગના સ્ટેશન 50થી 70 કિ.મી.ની રેન્જમાં આવ્યા છે. જેને કારણે જો આ તમામ સ્ટેશને બુલેટ ટ્રેન ઊભી રહે તો સમય વધુ થાય તેમ છે. આ કારણે જ બે પ્રકારની બુલેટ ટ્રેન જોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ તો બુલેટ ટ્રેન માટે 12 સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ જે બે પ્રકારની બુલેટ ટ્રેન છે. તેમાં રેપિડ હાઈસ્પીડ બુલેટ ટ્રેન માત્ર ચાર જ સ્ટેશન એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ ખાતે જ ઊભી રહેશે. આ ચાર સ્ટેશન પરથી પસાર થનારી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ પહોંચવા માટે માત્ર 2 કલાક અને 7 મિનિટનો જ સમય લેશે. જ્યારે બીજી હાઈસ્પીડ બુલેટ ટ્રેન જે તમામ સ્ટેશને ઊભી રહેશે તે બે કલાક અને 58 મિનિટનો સમય લેશે.
બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશને લૂપ લાઈનો પણ બનાવવામાં આવશે
બે પ્રકારની બુલેટ ટ્રેન દોડનાર હોવાથી તમામ સ્ટેશને લુપ લાઈનો પણ બનાવવામાં આવશે. જેમાં સાબરમતી ખાતે બે લૂપ લાઈન બનશે. આણંદ ખાતે બે લૂપ લાઈન બનશે. વડોદરામાં પણ બે લૂપ લાઈન બનશે. આ ઉપરાંત બિલિમોરા, વાપી, વિરાર, થાને સ્ટેશન ખાતે બે લૂપ લાઈનો બનાવવામાં આવશે. તે સિવાય ભરૂચ અને બોઈસરમાં ડેપો માટે એક વધુ એટલે કે ત્રણ લૂપ લાઈનો બનાવવામાં આવશે.

જ્યારે મુંબઈ-બીકેસી સ્ટેશન ખાતે ચાર લૂપ લાઈન બનાવવામાં આવશે. સુરત ખાતે પણ બે લૂપ લાઈન બનશે. લૂપ લાઈન ઉપરાંત દરેક સ્ટેશને બે મેઈન લાઈનો પણ બનાવવામાં આવશે. જ્યારે પણ રેપિડ હાઈસ્પીડ બુલેટ ટ્રેન દોડાશે ત્યારે હાઈસ્પીડ બુલેટ ટ્રેનને લૂપ લાઈન પર ખસેડી લેવામાં આવશે અને રેપિડ હાઈસ્પીડ બુલેટ ટ્રેન મેઈન લાઈન પરથી દોડશે.
રોજની 24 ડબ્બા ધરાવતી 35 બુલેટ ટ્રેન દોડશે અને 20થી 30 મિનિટે એક બુલેટ ટ્રેન મળશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એવું આયોજન કરવામાં આવ્યું છે કે રોજની બુલેટ ટ્રેનના 35 ફેરા થશે. દરેક બુલેટ ટ્રેન 24 ડબ્બાની હશે અને નોન-પીક અવર્સમાં દર 20 મિનિટ અને પીક અવર્સમાં દર 30 મિનિટે એક બુલેટ ટ્રેનની ફ્રીકવન્સી મળશે.
રોજના 36 હજાર જેટલા મુસાફરો બુલેટ ટ્રેનનો લાભ લેશે
એક બુલેટ ટ્રેનમાં એક જ સમયે 690 મુસાફરો મુસાફરી કરી શકશે અને એક જ દિવસમાં એક દિશામાં 17900 મુસાફરો પ્રવાસ કરશે. એટલે કે એક જ દિવસમાં આશરે 36 હજાર જેટલા મુસાફરો બુલેટ ટ્રેનનો લાભ લેશે.

બુલેટ ટ્રેન માટેનું ઓપરેશન સાબરમતીથી કરવામાં આવશે
બુલેટ ટ્રેનનું ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર સાબરમતી ખાતે બનશે. આ માટે સાબરમતી સ્ટેશન ખાતે આયોજનો કરવામાં આવ્યા છે. એક જ સ્ટેશનથી બુલેટ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.