વડોદરા : વડોદરામાં અકોટા વિસ્તારમાં ચોરી કરનાર બે ચોરોને મકાનમાં પાવર આવી જતા 20 દિવસમાં બે વાર ચોરી કરી હતી પરંતુ ગઈકાલે તેઓ ઝડપાઈ જતા બંને ચોરીનો ભેદ ખુલ્યો છે. અકોટા રાધાકૃષ્ણ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી પાર્થ સોસાયટીના મકાનમાં ગઈ તા.30મી રાત્રે બારીના સળિયા કાઢી ત્રાટકેલા ચોરો લેપટોપ, ચાર્જરો, હાર્ડ ડિસ્ક અને રોકડા રૂપિયા મળી કુલ રૂ 100000 ઉપરાંત ની મતા ની ચોરી કરી હતી. ઉપરોક્ત બનાવ બાદ ચોરો ફરીથી તા 20મી એ રાતે આજ મકાનમાં રાખ્યા હતા અને રોકડા રૂ.2.03 લાખ ચોરી ગયા હતા.
જે બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશન પાછળ એક રીક્ષા આંતરી બે શંકમંદોને તપાસતા અંદર તેમની પાસે લેપટોપ, ચાર્જરો અને હાડૅડિસ્ક જેવી ચીજો મળી આવી હતી. પૂછપરછ દરમ્યાન એકનું નામ જયેશ પ્રદીપભાઈ નિરભાવને (મહેશ્વરી સોસાયટી બાજવા મૂળ મુંબઈ) અને તેના સાગરીતનું નામ કોસીંદર ઉર્ફે સોનુ જગતસિંગ રાજપુત (મહેશ્વરી સોસાયટી, બાજવા મૂળ બુલંદ શહેર, યુપી) હોવાનું ખુલ્યું હતું. બંને ચોરીની કબુલાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
24 કલાકમાં ચાર બાઇકની ઉઠાંતરી
વડોદરા શહેરમાં તસ્કરો દિન પ્રતિદિન ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી, ઘરફોડ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે. ખાસ કરીને વાહન ચોરીના આંકડા ચિંતાજનક બન્યા છે. કારણકે ગુનાઓ સામે ડિટેકશનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. તેવામાં વીતેલા 24 કલાક દરમિયાન શહેરના અલગ અલગ પોલીસ મથકે વધુ ચાર બાઇક ચોરીના બનાવો નોંધાવા પામ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોટનાથ રોડ ઉપર સિદ્ધાર્થ લાઈફ સ્ટાઈલ હોમ ખાતે રહેતા નીરલકુમાર પટેલ વડોદરા કોર્પોરેશનમાં કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. 20 ઓગસ્ટના રોજ તેઓ સોસાયટીમાં પોતાનું બાઈક પાર્ક કરી કામ અર્થે બહારગામ ગયા હતા .બીજા દિવસે પરત આવતા બાઈક મળી આવ્યું ન હતું. ફરિયાદના આધારે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં તાંદલજા વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રસિંહ મકવાણા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે તેઓ અટલાદરા પ્રજાપતિ બ્રહ્મા કુમારી પાસે પોતાનું બાઈક પાર્ક કરી બસમાં નોકરી ગયા હતા.
જ્યાંથી પરત ફરતા બાઈક મળી આવ્યું ન હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે જે પી રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે તરસાલી સુસેન રોડ ઉપર આવેલ પરમેશ્વર એપાર્ટમેન્ટ માં રહેતો પરમિતસિંગ ચાવલા એમએસ યુનિવર્સિટીમા અભ્યાસ કરે છે. 11 મી ઓગસ્ટના રોજ રાત્રે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોતાનું બુલેટ પાર્ક કર્યું હતું. બીજા દિવસે તપાસ કરવા છતાં બુલેટ બાઇક મળી આવ્યું ન હતું. આ ઉપરાંત સોમા તળાવ ખાતે રહેતા ચેતનદાસ પટેલ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે નોકરી કરે છે. 10 મી ઓગસ્ટના રોજ તેઓ પોતાનું બાઈક જાંબુઆ બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર પાર્ક કરી બસમાં નોકરી ગયા હતા. જ્યાંથી પરત આવતા બાઈક પાર્ક કરેલા સ્થળે મળી આવ્યું ન હતું. ઉપરોક્ત બંને બાબતે મકરપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.