ભરૂચ: જંબુસરના કાવી ગામે બે બહેનોનું અપહરણ બાદ ફાર્મ હાઉસમાં બળાત્કારની ચકચારી ઘટના બહાર આવી છે. જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોને 26 દિવસ પહેલા રાતના સમયે ભડકોદ્રા ગામે રહેતો યાસીન ખાલીદ ચોક અને નઈમ તેઓની ઈકો કારમાં ઉઠાવી ગયા હતા.
- વિરોધ ન કરે તે માટે નશાયુક્ત ઇન્જેક્શન આપતો વિડીયો વાયરલ કરાયો
- જંબુસર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બંને બહેનોનું અપહરણ કરી તેમને કાવી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ જવાઈ હતી. જ્યાં યાસીને બંને બહેનને નશાકારક ઇન્જેક્શન આપ્યાં હતાં. બાદમાં મોટી બહેન સાથે યાસીને, જ્યારે નાની બહેન સાથે નઇમે દુષ્કર્મ કર્યું હતું. બે બહેનોનું અપહરણ અને રેપની ચકચારી ઘટનામાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાયુક્ત ઇન્જેક્શન આપતો વિડીયો ઉતારી લઈ વાયરલ કર્યો હતો. જ્યારે ચોથા આરોપી અનસે અન્ય ત્રણેયની મદદગારી કરી હતી. કાવી પોલીસ મથકે ભોગ બનનાર મોટી બહેને સોમવારે ફરિયાદ નોંધાવતાં જંબુસર પોલીસે આ ગંભીર ગુનાની તપાસ હાથ ધરી છે.
લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનારા યુવકને સુરત પોલીસે દબોચી લીધો
સુરત: પાંડેસરા ખાતે યુવતીને પાડોશી યુવકે લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શારીરિક સંબંધ બાંધી વિડીયો ઉતારી લીધો હતો. યુવતીએ લગ્ન કરવાની માંગ કરી, તો જાતિવિષયક ગાળો આપી જો કોઈને વાત કરી તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં ફરીથી લગ્નની લાલચે ટ્રેનમાં ગોરખપુર લઈ જઈ સ્ટેશન પર ધક્કો મારી પાડી પોતે બિહાર ભાગી ગયો હતો અને બાદમાં અશ્લીલ વિડિયો ફેસબુક પર વાયરલ કરી યુવતીને બદનામ કરી હતી. પાંડેસરા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા શિવમ નગરમાં રહેતો રાહુલ રાજેશ ગુપ્તા મૂળ બિહારના કૈમુર જિલ્લાના મોહનિયા ગામનો વતની છે. વર્ષ 2019માં તે પાંડેસરામાં વસવાટ કરતો હતો. આ દરમિયાન તેની પાડોશમાં રહેતી યુવતી સાથે વર્ષ 2019માં મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી અને અવારનવાર તેના ઘરે જઇ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન રાહુલે યુવતી સાથેના અશ્લીલ વિડિયો પણ બનાવી લીધા હતા.
ત્યારબાદ યુવતીએ રાહુલ ગુપ્તાને લગ્ન કરવાનું કહેતા તેણે જાતિ વિષયક ગાળો આપી ”હમ તુમસે શાદી નહીં કરેંગે ઓર જ્યાદા કુછ બોલેગી તો જો તુમ્હારા વિડીયો બનાયા હૈ ઉસકો ઇન્ટરનેટ ફેસબુક પર વાયરલ કર દેંગે” તેવી ધમકી આપી હતી.
જો કે ત્યારબાદ તારીખ 1 એપ્રિલ 2019ના રોજ રાહુલ ગુપ્તાએ ફરીથી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેણીને ટ્રેનમાં ગોરખપુર લઇ ગયો હતો. જ્યાં ટ્રેનમાંથી ઉતર્યા બાદ રાહુલે ”હું ઘરે જાઉં છું જ્યારે હું પરત આવીશ ત્યારે તારી સાથે લગ્ન કરીશ” તેમ કહ્યું હતું. પરંતુ યુવતીએ વિરોધ કરતા રાહુલે તેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉપરાંત ગોરખપુર રેલવે સ્ટેશન પર જ યુવતીને ધક્કો મારી નીચે પાડી દઇ ઇજા પહોંચાડી હતી અને પોતે બિહાર ભાગી ગયો હતો. બિહાર ગયા બાદ રાહુલે તેની પાસેના યુવતીના અશ્લીલ વિડિયો ફેસબુક પર વાયરલ કરીને યુવતીને બદનામ કરી હતી. જેથી યુવતીએ સુરત આવી પાંડેસરા પોલીસ મથકમાં બળાત્કાર અને ઍટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન રાહુલ ગુપ્તા બિહારથી સુરત આવવા ટ્રેનમાં રવાના થયો હતો, ત્યારે પાંડેસરા પોલીસે તેને ટ્રેક કરીને ખટોદરા ઝોન ઓફિસ પાસેથી પકડી પાડી, તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.