સુરત: સુરતમાં ગુરુવારે ઠેર ઠેર જન્માષ્ટમીના (Janmashtami) પર્વની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડવાના કાર્યક્રમ યોજાયા હતા. ગુરુવારે શહેરના વિવિધ વિસ્તારોમાં દુર્ઘટનાઓ બની હતી. ત્યારે ઉધનાના (Udhana) હરિનગરમાં એક મકાનની સિલિંગ તૂટી પડતા માસુમ સહિત બે જણા ગંભીર રીતે ઘવાયા હતા. 108ની મદદથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લવાતા ઇજાગ્રસ્ત સૂરજ એમ્બ્રોડરીનો કારીગર હોવાનું અને ઓરિસ્સાનો વતની હોવાનું જાણવા મળ્યું હતું.
- અચાનક સિલિંગ તૂટી પડતાં કાટમાળમાંથી કાઢી બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
108ના કર્મચારીએ જણાવ્યું હતું કે, ઘટના લગભગ ગુરુવારે બે વાગ્યાની હતી. અમે કોલ મળતા જ તાત્કાલિક 10 મિનિટમાં સ્થળ પર પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત માસુમ સહિત બે ને લઈ સિવિલ આવ્યા હતા. હાલ સૂરજ નામના ઈસમને ગંભીર ઇજા થઇ હોવાનું કહી શકાય છે.
પરિવારે જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત સુરજ રામહરી પોલાઈ (ઉ.વ. 34) ઓરિસ્સાનો વતની છે અને તે એમ્બ્રોડરીનો કારીગર છે. પરિવારમાં પત્ની બાળકો અને માતા-પિતા છે. પરિવારના ચાર પૈકી બે સભ્યો જેમાં સૂરજ અને માસુમ પીહુ (ઉ.વ. 2) ઘર બહાર ઓટલા પર બેઠા હતા. ત્યારે અચાનક સિલિંગ તૂટી પડતા બન્ને દબાઈ ગયા હતા.
ધડાકા ભેર તૂટી પડેલી સિલિંગને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. કાટમાળમાંથી બન્નેને બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ સૂરજને પગમાં ફેક્ચર હોય એમ કહી શકાય છે. તપાસ ચાલી રહી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ગોવિંદા ઘવાયા
શહેરના પાંડેસરા, ગોદાડરા અને નવાગામ વિસ્તારમાં એક 10 વર્ષના માસુમ સહિત ત્રણ જણા 5-12 ફૂટની ઉંચાઈએ થી પટકાયા બાદ ગંભીર રીતે ઘવાયા હતા. તમામને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.
કેતન ભાઈએ જણાવ્યું હતું કે, તેઓ પાંડેસરા જય મહાદેવ નગરના રહેવાસી છે અને સામાન્ય પરિવાર ના છે. 10 વર્ષનો પુત્ર અંશ મિત્રો સાથે પાંડેસરા 140 નંબર ના રોડ પર મટકી ફોડ કાર્યક્રમમાં ગયો હતો. મિત્રો સાથે પીરામીડ બનાવી મટકી ફોડવા 4 ફૂટની ઉંચાઈ એ ચઢ્યો હતો. જોકે અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં હાથમાં ફ્રેક્ચર હોવાની આશકા વ્યક્ત કરાઈ હતી.
અન્ય ઈજાગ્રસ્તના બનેવી સુનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે અંકિત રામબાબુ ચૌધરી (ઉં.વ. 22 રહે ગોડાદરા વૃંદાવન સોસાયટી) પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. નાના ભાઈ સાથે રહે છે. માતા-પિતા વતન બિહારમાં રહે છે. જન્માષ્ટમીના રોજ ઘર નજીક મટકી ફોડવા લગભગ 10 ફૂટની ઉંચાઈએ ચઢયો હતો. જયાંથી પટકાતા માથામાં ઇજા થઇ હતી. તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જ્યાં માથામાં ટાંકા લેવા પડ્યા હતા.