સુરત: ઘોડદોડ રોડ પર સોનલ જ્વેલર્સના માલિકે તેના કર્મચારીને મધ્યપ્રદેશથી સોનું લેવા માટે સુરત આવેલા બે જણાને 1 કિલો સોનાની 10 બિસ્કીટ આપવા મોકલ્યા હતા. અજાણ્યા તેમની પાસેથી 65 લાખના સોનાની બિસ્કીટ લઈને નાસી જતા ખટોદરા પોલીસે લુંટની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બંને આરોપીઓને વડોદરા નજીકથી ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપવા ઇનકાર કર્યો છે. કાયમી સોનું ખરીદતી મહિલાના કહેવા પર જવેલર્સ સંચાલક દ્વારા રોડ પર જ સોનું આપવાની ડીલ કરવામાં આવી હતી. તેવામાં સોનું છીનવીને બે ઠગો પલાયન થઇ ગયા હતા.
ભટાર ખાતે ક્રિષ્નાનગર એપાર્ટમેન્ટમાં રહેતા 57 વર્ષીય રાજેશ હીરાલાલ શાહ ઘોડદોડ રોડ પોદ્દાર પ્લાઝામાં સોનલ જ્વેલરી પ્રા.લી. માં નોકરી કરે છે. જ્વેલર્સના માલિક સંજયભાઈ અર્જુનલાલ જૈન, મુકેશભાઈ અર્જુનલાલ જૈન અને રાજેશભાઈ અર્જુનલાલ જૈન છે.
ગઈકાલે સંજય જૈને બપોરે બે વાગે રાજેશ હીરાલાલ શાહને તેમના પરીચિત મદનલાલ શાહ કાપડિયા હેલ્થ ક્લબ પાસે ઉભા હોવાનું કહ્યું હતું. તેમની સાથે એક સ્વીફ્ટ ડિઝાઈર કાર (એમપી-09-ઝેડએન-9738) પણ હોવાનું કહ્યું હતું. તેમને સોનાની 10 બિસ્કીટ લઈ જઈ બતાવીને આપવાની છે. અને તેના બદલામાં 65 લાખ રૂપિયા બેંક ટ્રાન્સફર કરાવવાના છે.
જેથી 10 સોનાની બિસ્કીટ એક કિલો સોનું લઈને સાથે નોકરી કરતા રાજેશભાઈ હીરાલાલ શાહ તેની સાથે કામ કરતા અન્ય રાજેશ શંકરલાલ જૈનને મોપેડ પર લઈને ગયા હતા. ત્યાં આ નંબરની કાર ઉભી હતી. કાર પાસે ગયા તો અંદર બે અજાણ્યા બેસેલા હતા. તેમને મદનલાલ શાહ વિશે પુછતા તેમને હાથના ઇશારે સામે હોવાનું કહ્યું હતું.
આ મદનલાલ શાહ જ્વેલર્સ પર અવાર નવાર આવતા હોવાથી તેમને ઓળખતા હતા. તેમની સાથે એક મહિલા પણ હતી. અજાણ્યાએ રાજેશભાઈ હીરાલાલ શાહને તેની સાથે કારમાં બેસાડી લીધા હતા. મદનલાલ અને મહિલા કારની બહાર ઉભા હતા. અજાણ્યાએ સોનું જોઈને રાખી લીધું અને કારની બહાર ઉતરતા રાજેશ શાહ પણ બહાર આવ્યા હતા.
અજાણ્યાએ કારની ડીકી ખોલીને રાજેશભાઈને ચેક આપ્યો હતો. રાજેશભાઈએ ચેક લેવાની ના પાડી અને રૂપિયા ટ્રાન્સફર કરી આપવા કહ્યું હતું. અજાણ્યાએ કારમાં બેસવાનું નાટક કરીને રાજેશ શાહને ધક્કો મારી કાર લઈને નાસી ગયા હતા. રાજેશભાઈ શાહ અને રાજેશભાઈ જૈને આ મદનલાલ અને તેની સાથેની મહિલાને રોકી રાખ્યા હતા. અને તેમના શેઠને ફોન કરીને બોલાવ્યા હતા. અને બાદમાં ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લુંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા ક્રાઈમ બ્રાંચ અને ખટોદરા પોલીસે સંયુક્ત રીતે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.