વાંકલ: સુરત જિલ્લાના ગામોમાં અવારનવાર દીપડા દ્વારા હુમલાના કિસ્સા બનતા રહેતા હોય છે, ત્યારે આજે માંગરોળના દિણોદ ગામમાં વિચિત્ર ઘટના બની છે. અહીં ખેડૂતે કાપણી બાદ શેરડી સળગાવતા ખેરમાંથી દીપડાના બે બચ્ચાં બહાર દોડી આવ્યા હતા, જેના લીધે અચરજ સર્જાયું હતું. ગ્રામજનો દીપડાના બચ્ચાં જોવા ભેગા થઈ ગયા હતા.
- માંગરોળના દિણોદ ગામેથી બે દીપડાના બે બચ્ચા મળ્યા
- કાપણી બાદ શેરડી સળગાવતા દીપડાના બચ્ચાં બહાર આવ્યા
- ખેડૂતે જાણ કરતા વનવિભાગે દીપડાના બચ્ચાનો કબ્જો લીધો
- બચ્ચાંને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા
- દીપડાના બચ્ચાંની પ્રાથમિક સારવાર કરાઈ
- બચ્ચાંને માતા સાથે મેળાપ કરાવવા તજવીજ હાથ ધરાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળના દિણોદ ગામમાં ખેડૂત ચુનીલાલનું ખેતર આવેલું છે. ખેતરમાં તેઓએ શેરડી વાવી હતી. કાપણી બાદ આજે ચુનીલાલે શેરડી સળગાવી હતી ત્યારે ખેતરમાંથી દીપડાંના બે બચ્ચાં બહાર દોડી આવ્યા હતા. પહેલાં તો ખેડૂત ગભરાયા હતા. બચ્ચાં સાથે ક્યાંક તેની માતા પણ બહાર આવે તો જીવનું જોખમ ઉભું થાય તેવો ડર હતો. તેથી ખેડૂતો અને મજૂરો છુપાઈ ગયા હતા. પરંતુ થોડી વાર બાદ ખ્યાલ આવ્યો કે બચ્ચાં જ છે, તેથી હિંમત આવી હતી.
ખેડૂત ચુનીલાલે તાત્કાલિક આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. તેથી વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ ચુનીલાલના દિણોદ ખાતેના ખેતરે દોડી ગયા હતા. વન વિભાગના કર્મચારીઓએ દીપડાંના બચ્ચાંઓનો કબ્જો લીધો હતો અને તે બચ્ચાઓને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. દીપડાંના બચ્ચાંઓની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. તેઓ દાઝી ગયા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. બચ્ચાંઓની તબિયત સ્વસ્થ છે, તેથી હવે તેઓને તેમની માતા સાથે મેળાપ કરાવવા વન વિભાગે તજવીજ હાથ ધરી છે.