Dakshin Gujarat

જલાલપોરના કરાડીમાં ગણપતિના આગમન સમયે કરંટ લાગતા બેનાં મોત, પાંચને ઈજા

નવસારી: જલાલપોરના કરાડી ગામે ગણપતિના આગમન સમયે કરંટ લાગતાં બેના મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ દાઝી જતાં તેમને સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સોમવારે મોડી રાત્રે ગણપતિના આગમન સમયે લોખંડના પાઈપ દ્વારા હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ થતાં લોખંડનો પાઈપ હાઈ ટેન્શન વીજળી લાઈન સાથે સંપર્કમાં આવતાં 7 લોકોને કરંટ લાગ્યો હતો. એ પૈકી પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનું મોત થયું હતું, જ્યારે કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, હરીશ પટેલ અને નિલેશ પટેલ ગંભીર રીતે દાઝી જતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જલાલપોર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

9 ફૂટ કરતાં વધુ ઊંચી પ્રતિમા અને ડીજે અંગે કાયદાનો અમલ જરૂરી
9 ફૂટ કરતાં વધુ ઊંચી ગણપતિ બાપાની મૂર્તિ ઉપર પ્રતિબંધ છે. પરંતુ એ પ્રતિબંધનો અમલ થતો નથી. કરંટ લાગવાના ઘણા અકસ્માતોમાં ઊંચી પ્રતિમા માટે વીજળીના તારો ઊંચા કરવાનું કામ કારણભૂત બની જતું હોય છે. એ જ રીતે ડી જેનો ભારે અવાજ એમ તો પ્રતિબંધિત છે. પરંતુ અકસ્માત સમયે ડીજે ચાલુ હોય તો મદદનો પોકાર લોકોને સંભળાય નહીં અને તેને કારણે જીવ બચી જાય એમ હોય તો પણ મુશ્કેલી પડી શકે છે. નવસારીના સાંસદ સી.આર. પાટીલે પણ એક જાહેર કાર્યક્રમમાં મૂર્તિ ઊંચી લાવવા કરતાં આસ્થા વધુ હોવી જોઈએ એવી શીખ આપી ગયા હતા, પરંતુ એ શીખ કોઈ માનતું હોય એમ લાગતું નથી, ત્યારે કાયદો લાલ આંખ કરે એ વધુ જરૂરી છે.

Most Popular

To Top