આણંદ: આણંદ શહેર સહિત મધ્ય ગુજરાત અને રાજસ્થાનમાં ઉપરા છાપરી ચોરી કરી તરખાટ મચાવનારી ગેંગના બે સભ્યને ભાલેજ પોલીસે પકડી પાડ્યાં હતાં. તેમની પાસેથી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી તેના અન્ય સાથીદારોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. ભાલેજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ. શુકલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રફીકભાઈને બાતમી મળી હતી કે, બે શખસ ચોરીના વાહન સાથે આણંદ તરફ જઇ રહ્યા છે. આ બાતમી આધારે વોચ ગોઠવી બે શકમંદને પકડી પાડ્યાં હતાં. આ બન્નેની પુછપરછ કરતાં તે હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી (વણઝારા) (રહે.મુળ મોડાસા, અરવલ્લી, હાલ રહે ડુંગરપુર, રાજસ્થાન) તથા શાંતિલાલ ઉર્ફે સોનુ લક્ષ્મણ હુરજી પારગી (રહે.ડુંગરપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
આ શખસો વોન્ટેડ તથા ઘરફોડ, વાહન ચોરી તેમજ રાજસ્થાનના ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું હતું. આથી, બન્નેની અટક કરી પુછપરછ કરતાં મોડાસા, ધનસુરા, મેઘરજ, હિંમતનગર, પ્રાતિજ, કઠલાલ, આણંદ, પેટલાદ તેમજ રાજસ્થાનના સાગબારા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલા હતાં. પોલીસે તેમની પાસેથી આણંદ ટાઉન અને મોડાસામાંથી ચોરી કરેલી કાર, લેપટોપ, બાઇક, લોખંડનો સળીયો તેમજ પાનું મોબાઇલ મળી 7.95 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હાઈટેક એપનો ઉપયોગ કરતાં ભાંડો ફુટ્યો
રાજ્ય સરકાર દ્વારા રીઢા ગુનેગારોને પકડવા માટે ખાસ બે મોબાઇલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેમાં રીઢા ગુનેગાર અને ચોરીના વાહનોનો ખાસ ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. ભાલેજ પોલીસે પકડી પાડેલા હુસેન અને શાંતિલાલ પાસેથી મળેલા વાહનોનો ડેટા તપાસતા તે આણંદ ટાઉનના ચોરીના સાધનો હતાં. જ્યારે ફેસટેગની મદદતી બન્નેના ચહેરા મેચ કરતાં તેઓએ આણંદ, મધ્ય ગુજરાત ઉપરાંત રાજસ્થાનની પણ કેટલીક ચોરીમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું હતું.