વડોદરા: સુરતથી ઉપડેલી મદુરાઇ-ઓખા એક્સપ્રેસ ટ્રેનના દિવ્યાંગ કોચમાં મુસાફરી કરી રહેલા ભાભી દીયરને ઢોર માર મારીને રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવાઇ હતી. જેમાં ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં પોલીસે બે લુટારુઓને ઝડપી પાડ્યા છે. બે પૈકી એક આરોપી તો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. મદુરાઇથી ઓખા તરફ જવા 5 ઓગસ્ટના રોજ ટ્રેન રાત્રે 10 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી ઉપડી હતી.ટ્રેનના દિવ્યાંગ કોચમાં મુસાફરી કરતા ભાભી-દિયરને ત્રણ રીઢા ગુનેગારો દ્વારા માર મારીને મોબાઇલ ફોન તથા રોકડાની લૂંટ ચલાવવામાં આવી હતી. ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પહોંચે તે પહેલા જ લૂંટારૂઓ ભાગી ગયા હતા. જેની ભોગ બનનારે ફરિયાદ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જેથી પોલીસ એક્શનમાં આવી હતી અને લુંટારૂઓની શોધખોળ શરૂ કરી હતી.
સુરત રેલવે એલસીબીના જવાનોએ ઘટના સમયે સ્થળ પર લગાવેલા સીસીટીવીના ફૂટેજના આધારે ત્રણ પૈકી બે આરોપીઓની ભાળ મેળવી હતી અને ભીમા શાંતિલાલ રાઠોડ (રહે. કિમ રેલવે સ્ટેશન પૂર્વની નવી રેલવે લાઇનની સામેની બિલ્ડીંગમાં) અને શક્તિ દુર્ગેશભાઇ સલાટ (રહે. હરીપુરા, માન સરોવર, વણજારા વાર, પાલનપુર, બનાસકાંઠા) ની ધરપકડ કરી બંને પાસેથી લૂંટેલો મોબાઇલ અને રોકડ રકમ પણ રિકવર કરી છે.
ભીમા રાઠોડ સામે અગાઉ ત્રણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા છે
ટ્રેનમાં મુસાફરો સામે મારપીટ કરીને રોકડ રકમ તથા મોબાઇલની લૂંટ કરનાર ભીમાભાઇ રાઠોડ દ્વારા અગાઉ પણ ગુના આચરવામાં આવ્યા હતા. જેથી આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. અલગ અલગ પ્રકારના ગુનાઓમાં તેની સામે ડભોડા ગાંધીનગર જિલ્લો. કૃષ્ણનગર અને ટ્રાફિક પોલીસ સ્ટેશન નરોડા અમદાવાદમાં તેના વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઇ ચુકી છે