સુરતઃ બે ગુજરાતી હીરા વેપારીઓની વિયેતનામમાં ધરપકડ થઈ છે. વિયેતનામના હો ચી મિન્હ સિટીના તાન સોન નહાટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અબજો રૂપિયાના હીરાની દાણચોરીના કેસમાં બંનેની ધરપકડ કરાઈ છે. ત્રણ દિવસમાં અલગ અલગ બે ઘટનામાં અધિકારીઓએ 1078 હીરા જપ્ત કર્યા હતા.
તાન સોન નહાટ ઈન્ટરનેશનલ એરપોર્ટ કસ્ટમ્સ હો ચી મિન્હ સિટી કસ્ટમ્સ અને હો ચી મિન્હ સિટી પોલીસના ઈકોનોમિક સેલ દ્વારા એક સંયુક્ત ઓફરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય નાગરિકો તરીકે ઓળખાયેલા શંકમંદો કથિત રીતે હાઈ પ્રોફાઈલ સ્થાનિક ડીલરોને સપ્લાય કરવા માટે વિયેતનામમાં હીરા લાવતા પકડાયા હતા.
ગઈ તા. 23 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યે પીએસએચ તરીકે ઓળખાતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. તેના કપડાં અને અંગત વસ્તુઓ વચ્ચેના પાકિટમાં 716 છુપાવેલા હીરા મળી આવ્યા હતા. તે વ્યક્તિ ભારતથી આવ્યો હતો. બીજી ઘટના 25 ઓક્ટોબેર સાંજે 6.30 કલાકે બની હતી, જેમાં હોંગકોંગથી વિયેતનામ પહોંચેલા ભારતીય નાગરિક ડીએકેનો સમાવેશ થાય છે. લગેજ સ્કેનિંગ દરમિયાન તેની પાસેથી અધિકારીઓને બે કેન્ડી કન્ટેનરમાં છુપાવેલા 362 હીરા મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન જપ્ત કરાયેલા હીરામાં કુદરતી અને લેબગ્રોન બંને મળી આવ્યા હતા. તેની અંદાજિત કિંમત અબજોમાં થાય છે. બંને કેસ હવે વધુ તપાસ માટે ઈકોનોમીક સેલને સોંપવામાં આવી છે.