Dakshin Gujarat

લગ્નપ્રસંગમાંથી પરત ફરતા ઉચ્છલના નુરાબાદના બે મિત્રોને અકસ્માત નડ્યો, એકનું મોત

સુરત: ઉચ્છલના છાપટી ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ-નિઝર રોડ, સ્ટેટ હાઇવે નં.80 ઉપર અજાણ્યા વાહને અડફેટે લેતાં નુરાબાદના બાઇકસવારનું મોત થયું હતું. જ્યારે મિત્ર ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બંને મિત્ર લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. એ વેળા પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્છલના નુરાબાદ ગામના નિશાળ ફળિયામાં રહેતા અંકુરભાઈ અજીતભાઈ ગામીત (ઉં.વ.23) અને રણજીતભાઈ મહેશભાઈ ગામીત (ઉં.વ.25) બાઇક નં.(જીજે 26 ડી 5386) ઉપર છાપટી ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે નં.80 ઉપરથી પસાર થઈ રહ્યા હતા.

એ વેળા રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકે બાઇકને અડફેટે લેતાં બંને ફંગોળાઈ ગયા હતા. જેથી બાઇકચાલક રણજીતભાઈ ગામીતને માથા અને ઘૂંટણના ભાગે ઇજા થવા સાથે જમણો કાન કપાઈ જતાં ગંભીર ઇજાને કારણે મોત થયું હતું.

અકસ્માત થતાં અન્ય વાહનચાલકો અને રાહદારીઓ ભેગા થઈ જતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. એ બાદ ઘાયલ થયેલા અંકુરભાઈ ગામીતને સારવાર અર્થે ઉચ્છલના સરકારી દવાખાને લઈ જવાયો હતો. જ્યારે રણજીત ગામીતની લાશને ઉચ્છલની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ હતી.

અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. બંને મિત્ર છાપટી ગામે લગ્નપ્રસંગે ગયા હતા. જ્યાંથી રાત્રે આશરે દોઢ વાગ્યાના અરસામાં નુરાબાદ ખાતે પરતી વેળા આ બનાવ બન્યો હતો. આ મામલે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top