સુરત: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ આખાય રાજ્યનું તંત્ર ફાયર સેફ્ટીના મુદ્દે આકરું બન્યું છે. ઠેરઠેર સીલીંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે સુરતમાં એક દિવસમાં આગની બે ઘટના બની હતી. સવારે પરવત ગામના મિડાસ સ્કેવરમાં આવેલી ઓયો હોટલમાં આગ લાગી હતી તો બપોરે નાનપુરા વિસ્તારમાં રસ્તા પર દોડતું ઈ મોપેડ સળગ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ફાયર ડિપાર્ટમેન્ટને સવારે 7 કલાક ને 28 મિનિટે આગનો કોલ મળ્યો હતો. પુણા કાંગારૂ સર્કલથી મેઇન રોડ પર જતા પર્વત ગામ પાસે આવેલા મિડાસ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આવેલી ઓયો હોટલમાં આગ લાગી હતી. લક્ષ્મી કુબેર કિંગ નામની આ ઓયો હોટલના એક રૂમના એસી ડકમાં અચાનક આગ ભડકી હતી. પહેલા માળે આવેલી હોટલમાં આગ લાગી હતી, જે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી.
આગ ઝડપથી બિલ્ડીંગના એલિવેશન સુધી પહોંચી ગઈ હતી. જેથી સમગ્ર હોટલ અને બિલ્ડીંગ આગની ઝપેટમાં આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. જેથી આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડને જાણ થતાં જ 4 સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેણે ઓક્સિજન માસ્ક સહિતનો સામાન પહેરીને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. હોટલમાં રહેલા બે ગેસ્ટ સહિત 3 જણાનું રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
નાનપુરામાં દોડતું ઈ-સ્કૂટર સળગ્યું
સરકારે પ્રોત્સાહન આપ્યા બાદ છેલ્લા બે વર્ષથી રસ્તા પર ઈ-મોપેડ મોટી સંખ્યામાં દોડતા જોવા મળી રહ્યાં છે. ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં ગાંધી બાગની સામે એક દોડતું મોપેડ બંધ થયા બાદ અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતાં. જેથી મોપેડ સવાર ભાઠા ગામના ચેતનભાઈ પટેલને લોકોએ સચેત કર્યા હતાં. જેથી ચેતનભાઈ નીચે ઉતરી ગયા હતાં.
જો કે, જોત જોતામાં જ મોપેડમાં આગ ફાટી નીકળી હતી. આ અંગે જાણ થતાં મુગલીસરા ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. ચેતનભાઈએ કહ્યું કે, હું મેડિકલ સામાનની ડિલિવરીનું કામ કરુ છું. પત્નીનું પ્રેશર લો થયાની જાણ થતાં જ ઈ મોપેડ લઈને નીકળ્યો હતો. છેલ્લા 25 મહિનાથી સારી રીતે મોપેડ ચાલતી હતી. અચાનક મોપેડમાં આગ લાગી તે હું સમજી શકતો નથી. ઓકિનાવા કંપનીની મોપેડ હતી.