વડોદરા : રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિશ્વામિત્રી બ્રીજ ઉતરતા ગજરાત ટ્રેકટર સામે જાહેર રોડ પર ઉભા રહી એક યુવકનો સોશીયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થયો હતો. તેમજ ઓડીયો પણ વાયરલ થયો હતો. જેમા ગંભીર પ્રકારના આક્ષેપો જેમ કે, પોલીસને ભરણ તથા જાનથી મારી નાખવાની વાતો કરવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો હવે બેફામ બન્યા છે. આ અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ દારૂનો ધંધો કરતા હુસેન સુન્નીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પોલીસને ભરણ આપતો હોવાનું તથા પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાનુ જણાવી રહ્યો હતો.
જોકે તે બાદ પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં ભલે દારૂબંધી હોય પરંતુ વડોદરા શહેરમાં કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ દારૂનો વેપલો થાય છે. અને તે પણ સ્થાનીક પોલીસની રહેમનજર હેઠળ. બૂટલેગરો બેખોફ દારૂ રાજ્ય બહારથી લાવે છે. અને તેનું વેચાણ કરે છે. ત્યારે સ્થાનીક પોલીસ શાંતીથી આવી હપ્તા લઈ જાય છે? અને પોતાની છત્રછાયા હેઠળ વધુ પૈસા કમાવા ખુદ બૂટલેગરોને પરમીશન આપી દારૂનો ધંધો કરાવે છે. જોકે આ બાબત ઉચ્ચ અધિકારીઓ જાણે છે કે કેમ? અથવા જાણે છે તો કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે ગત રોજથી સોશીયલ મીડિયા ઉપર એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં રાવપુરા વિસ્તારમાં રહેતો લલ્યા નામનો યુવક તથા દર્શન નામનો યુવક એક બીજા સાથે દારૂને લઈ વાત કરી રહ્યા છે.
જેમાં મારા વિસ્તારમાંથી દારૂ લઈને નહીં નીકળવાનું, સીન કરાવી દઈશ, જાનથી મારી નાખીશ, પોલીસને ભરણ આપુ છું, વગેરે જેવી વાતો થઈ રહી છે.ત્યારે આ બાદ એક વીડિયો વાયરલ થાય છે. જેમા દર્શન ચીમનભાઈ પંચાલ(ઉ.વ.21)(રહે, વિશ્વામિત્રી ટાઉનશીપ, માંજલપુર) ફોન પર થયેલી વાતને પડકારવા જાહેરમાં ખુલ્લેઆમ દારૂની 3 બોટલો લહેરાવતો નજરે પડે છે. જોકે આ બાદ રાવપુરા પોલીસ તેના પર ગુના નોંધી કાર્યવાહી કરે છે. ઉલ્લેખનિય છે કે વાયરલ ઓડિયો તેમજ વિડીયોને ધ્યાને લઈ તેમાં થતા ગંભીર પ્રકારના આક્ષેપોને લઈ ડીસીપી ઝોન-2 ડૉ. જયરાજસિંહ વાળા તે મુદ્દે તપાસ એસીપી ડી ડીવીઝનને સોંપે છે. ત્યારે સૌ કોઈની નજર છે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે? કારણકે પોલીસને બુટલેગરનો આ સીધો પડકાર છે.