વડોદરા : શહેરમાં અધિક નિવાસી કલેકટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં કોર્ટના હુકમનું અનાદર કરીને ખેતરમાં ગેરકાયદેસર બાંધકામ કરી મુખ્ય દરવાજા પર પોતાનું તાળું મારી પોતાની માલિકીનું સાઇનબોર્ડ લગાવી વડીલો પાર્જીત જમીન પચાવી પાડનાર સામે મકરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી તરફ સુલેમાની ચાલી તૂટી જતા બેઘર બનેલા પરિવાર પર દયા દાખવી દુકાન માલિકે બે દુકાનો રહેવા તથા ધંધો કરવા માટે ભાડે આપી હતી. જોકે, ભાડુઆતે અઢી વર્ષનું ભાડું નહીં ચૂકવીને દુકાન ખાલી નહીં કરી ધમકી આપવા મામલે પાણીગેટ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલ પ્રથમ બનાવમાં જેતલપુર વિસ્તારની સુર્વણપુરી સોસયટીમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધ કિરીટભાઈ મણીભાઈ પટેલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાના ઘરે નિગાસુ ફેબ્રીકેટ ના નામથી મિકેનિકનું છૂટક મજૂરી કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની તરસાલી ગામ ખાતે અલગ-અલગ સર્વે નંબર વાળી વડીલોપાર્જીત જમીન આવેલી છે. સર્વે નં-38 પૈકી 1 વાળી જમીન મોટાબાપા છીતાભાઈ પટેલના પૌત્ર જીતેન્દ્ર ગોરધનભાઇ પટેલે પોતાની માલિકીની હોવાનું દર્શાવતો દાવ કોર્ટમાં દાખલ કર્યો હતો.
જે દાવા સામે ફરિયાદીએ કાઉન્ટર ક્લેમ દાખલ કરવા નામદાર કોર્ટે મંજૂરી આપી હતી. વર્ષ-2013 દરમિયાન જીતેન્દ્ર પટેલ વિવાદિત જમીનની ફરતે ફેન્સીંગના તાર તોડી જમીનમાં પાકું બાંધકામ શરૂ કર્યું હતું અને જમીન ઉપર પોતાની માલિકીનો કબજો હોવાનું જાહેર નોટીસ દર્શાવતું બોર્ડ લગાવ્યુ હતું . આ વિવાદનો કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે જીતેન્દ્ર પટેલનો દાવો રદ કરી પ્રતિવાદીના પક્ષમાં હુકમ કર્યો હતો.
આમ કોર્ટનો હુકમ હોવા છતાં ફરિયાદની માલિકીની જમીનમાં જીતેન્દ્ર પટેલે ખેતરના દરવાજા ઉપર પોતાનું તાળું મારી જમીન ઉપર અનધિકૃત કબજો જમાવી મિલકત પચાવી પાડી હતી. જે અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેથી કલેકટરના આદેશથી બનાવ અંગેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાતા પોલીસે જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ (રહે, હનુમાન ફળિયું, તરસાલી) વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલ બીજા બનાવમાં શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતા 53 વર્ષીય મયુરીબેન દિનેશભાઈ પંડિત વાઘોડિયા રોડ પર આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની સામે પુષ્ટિ સ્મૃતિ રેસિડેન્સી કમ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ અને ચાર નંબરની દુકાનો ધરાવે છે. અગાઉ સુલેમાની ચાલી પાસે આવેલ સ્મૃતિ રેસિડેન્સી કમ પ્લાઝાનું બાંધકામ બાદ દુકાનોનું વેચાણ ન થતાં ભાગીદારોએ સરખે ભાગે દુકાનો વહેંચી લેતા તેમના પતિના ભાગે ઉપરોક્ત બે દુકાનો છે. જે દુકાનો સાજીદ લતીફભાઈ શેખ (રહે, સુલેમાની ચાલી, વડોદરા)ને વર્ષ 2013માં ફેબ્રિકેશનનો ધંધો કરવા માટે 11 મહિનાનો ભાડા કરાર કરી મહિને 8500 રૂપિયાથી ભાડે આપી હતી.
ત્યારબાદ વર્ષ 2016માં સાજીદે બીજી દુકાન પણ 13 હજાર ભાડા પેટે ભાડે લીધી હતી. દરમિયાન સુલેમાની ચાલી તૂટી જતા સાજીદે દુકાનમાં પરિવાર સાથે રહેવા માટે જણાવ્યું હતું, ત્યારે બેઘર બનેલા સાજીદ અને તેના પરિવાર પર દયા દાખવી દુકાન માલિક દિનેશભાઇએ સાજિદના પરિવારને રહેવા માટે તથા ધંધો કરવા માટે ભાડાની મુદત વધારી હતી. ત્યારબાદ તે જગ્યાએ દુકાન ખાલી કરવાનો ઇનકાર કરી સાજીદ પરિવાર સાથે રહે છે. અને વેપાર પણ કરે છે. છેલ્લા અઢી વર્ષથી ભાડું પણ ચૂકવ્યું નથી અને તમારી દુકાન ખાલી નહીં થાય તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપી હતી.
જેથી દિનેશભાઇએ વર્ષ-2019 દરમિયાન પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જોકે, તે બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. આ અંગે નાયબ કલેક્ટરને રજૂઆત કરતાં તેના આધારે પોલીસ કમિશનરે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા જણાવતા પાણીગેટ પોલીસ મથકમાં સાજીદ લતીફભાઈ શેખ (રહે, સુલેમાની ચાલી, વડોદરા) વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને બનાવમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.