સુરત: સુરત શહેરમાં પોલીસની જોહૂકમનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના બે નાની વયના બાળકો ઘરના ઓટલા પરથી ગુમ થઈ ગયા હતા. શોધખોળ બાદ પણ બંને બાળકો નહીં મળતા પરિવારજનો પોલીસને ફરિયાદ કરવા ગયા હતા ત્યારે પોલીસે ફરિયાદ લેવાના બદલે પરિવારજનો સાથે તુમાખીભર્યું વર્તન કર્યું હતું. પહેલાં તો ફરિયાદ લીધી નહીં અને પછી એવું કહ્યું કે, તમારામાંથી કોઈ પોલીસ મથકમાં ઝાડું મારી દો.. આ અંગેની ઓડિયો ક્લીપ બનાવી પરિવારના એક યુવકે ડીસીપીને મોકલતા હડકંપ મચી ગયો હતો. ડીસીપીએ તાત્કાલિક પોલીસને ફરિયાદ લઈ તપાસ શરૂ કરવાના આદેશ કરતા પોલીસ મથકમાં દોડધામ મચી ગઈ હતી.
મજદૂરી કામ કરતા રિન્કુ પ્રજાપતિએ પાંડેસરા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે 22મી એપ્રિલે મજૂરી પર ગયો ત્યાર બાદ તેની પત્ની રાજકુમારી, બે દીકરીઓ તેમજ મોટો દીકરો શિવમ (ઉં.વ. 9) મોટા ભાઈ સીતારામના આકાશ દર્શન સોસાયટી વડોદ ગામ ખાતે ગયા હતા. સાંજે રિન્કુ પ્રજાપતિનો મોટો દીકરો શિવમ અને તેમના મોટા ભાઈનો દીકરો મનીષ (ઉં.વ.14) તેમના ઘરના ઓટલા પર બેઠાં હતાં. થોડા સમય બાદ બંને જણા ત્યાં નહીં હોય બંને ક્યાં ગયા તે અંગે તપાસ શરૂ કરાઈહતી, પરંતુ બંને બાળકો ક્યાંય મળ્યા નહોતા.
બંને બાળકોના મોટા ભાઈએ ઓડિયો વાઈરલ કર્યો
પોલીસે ફરિયાદ નહીં લેતા બંને બાળકોના મોટા ભાઈએ એક ઓડિયો ક્લીપ બનાવી વાયરલ કરી હતી. આ ઓડિયો ક્લીપમાં સૌરભ પ્રજાપતિ નામનો યુવક કહે છે કે મારા બે નાના ભાઈઓ ત્રણ દિવસથી ગુમ થયા છે પરંતુ પોલીસ ફરિયાદ લેતી નથી. ઉલટાનું ઝાડું મારવા કહે છે.
ઓડિયો ક્લીપ મળતા ડીસીપી સાગમારેએ તપાસના આદેશ આપ્યા
સૌરભ પ્રજાપતિની ઓડિયો ક્લીપ ડીસીપી સાગમારે સુધી પહોંચી હતી. આ ઓડિયો ક્લીપ સાંભળ્યા બાદ ડીસીપી સાગમારેએ પાંડેસરા પોલીસને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી તપાસ કરવા આદેશ આપતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ફરિયાદ લઈ સીસીટીવીની મદદથી બંને બાળકોને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે બંને બાળકો કશે જઈ રહ્યાં છે
પોલીસે ઘર નજીકના સીસીટીવી ચેક કરતા જોવા મળ્યું હતું કે બંને બાળકો એકબીજાનો હાથ પકડીને ઝડપથી કશેક જઈ રહ્યાં છે. તે બાળકો ક્યાં જઈ રહ્યાં છે તે હજુ જાણી શકાયું નથી. પોલીસે તપાસ સઘન બનાવી છે.