SURAT

મોટા વરાછામાં બેડરૂમમાં બે બાળકો લોક થઈ ગયા, બહાર કાઢવા આ કામ કરવું પડ્યું

સુરત: મોટા વરાછા સુદામા ચોક વિસ્તારની સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં પહેલા માળે શુક્રવારે બે ભૂલકાંઓએ રમતા રમતા બેડરૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો અને ત્યારબાદ બન્ને વિન્ડોમાં ફસાઈ ગયા હતા, ફસાયેલા બન્ને બાળકોને વિન્ડોની સ્વાઈડિંગ લોક તોડી ફાયરની ટીમે બહાર કાઢતા પરિવારના શ્વાસ હેઠે બેઠા હતા.

  • મોટા વરાછાની સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં બેડરૂમમાં લોક થઇ ગયેલા બે ભૂલકાંઓને ફાયરે સ્લાઈડિંગ વિન્ડોનું લોક તોડી બહાર કાઢયા
  • ફાયરની ટીમે પહેલા માળે ફસાયેલા પાંચ અને સાત વર્ષના બાળકોએ રાડારોળ કરી મૂકી હતી, ફાયરે તેઓને હેમખેમ બહાર કાઢતા પરિવારે રાહતનો દમ લીધો

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ મોટા વરાછા સુદામા ચોક નજીક સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીના ફ્લેટ નંબર-101માં અંકિત પટેલ તેમના પરિવાર સાથે રહે છે. શુક્રવારે બપોરે તેમનો સાત વર્ષનો બાળક દિવ્ય અંકિત પટેલ અને 5 વર્ષનો ભાણેજ વંશ રાજુ લાખાણી બપોરે એક વાગ્યાના અરસામાં બેડરૂમમાં રમી રહ્યાં હતા. દરમ્યાન તેમણે રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો અને ત્યારબાદ તેઓ વિન્ડો ઉપર ચઢીને રમવા લાગ્યા હતા. રમત રમતમાં આ વિન્ડોની સ્લાઈડિંગ પણ બંધ થઈ જતાં લોક થઈ ગઈ હતી, બંને બાળકો બરાબરના ફસાઈ ચૂક્યા હતા પણ નાના હોવાથી એકદમ ગભરાઈ ગયા અને રડારોડ કરી મૂકી હતી.

ઘરના વડીલોએ ફાયર કંટ્રોલને જાણ કરતા મોટા વરાછા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પહેલા માળ નજીક ફાયર એન્જિન ઉભું કરી ફાયર ફાયટરોએ નિસરણી વડે સ્લાઈડિંગ વિન્ડોનું લોક તોડી વિન્ડો ખોલી નાંખી હતી અને બાળકોને રેસ્ક્યુ કર્યા હતા. બાળકો સહીસલામત રીતે રેસ્ક્યુ થઇ જતા વડીલોના જીવમાં જીવ આવ્યો હતો.

Most Popular

To Top