સુરત: શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે. વરસાદને લીધે જમીન પોચી થઈ જતા ઠેરઠેર ઝાડ પડવાના બનાવ બની રહ્યાં છે. અત્યાર સુધી અંદાજે 100 જેટલાં વૃક્ષ ધરાશાયી થયા છે, ત્યારે આજે તા. 3 જુલાઈને બુધવારની સવારે શહેરમાં બે જર્જરીત મકાન પડી જતાં તંત્ર દોડતું થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે શહેરના કોટ વિસ્તાર મહીધરપુરામાં ભવાનીવડ હનુમાન શેરીમાં બે મકાન ધરાશાયી થયા છે. હનુમાન શેરીમાં આવેલા બે જર્જરીત મકાન 5/1078 અને 5/1079 પડી ગયા છે. આ દુર્ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મકાન ઘણું જૂનું હોય જર્જરીત થઈ ચૂક્યું હતું. જેના લીધે પડી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ દુર્ઘટનામાં મકાનના ચોથા માળે રહેતાં એક વ્યક્તિને માથામાં ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરના લાશ્કરોએ બચાવ અને કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરી છે.
મંગળાવારે એક જ દિવસમાં 41 વુક્ષો તુટી પડયા : એક કાર, એક રિક્ષા દબાયા
સુરત: શહેરમાં છેલ્લા ચાર દિવસોથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં જગ્યા જગ્યા એ વૃક્ષો ઘરાશાય થવાની ઘટનાઓમાં સતત વઘારો થઈ રહ્યો છે. મંગળવારે પણ શહેરમાં અલગ-અલગ ઝોન વિસ્તારોમાં કુલ 41 જેટલા વૃક્ષો ઘરાશાય થયાં હોવાના કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતાં.જેને પગલે ફાયર વિભાગની ટીમ સતત દોડતી રહી હતી.
સોમવારે મોડી રાતથી લઈને મંગળવારે વહેલી સવાર બાદ છેક બપોરના સમય સુઘી શહેરમાં વરસાદ વરસ્યો હતો.
દરમીયાન શહેરમાં મંગળવારે પણ વૃક્ષો ઘરાશાયી થવાની ઘટના યથાવત રહી હતી. આજે કુલ 41 વૃક્ષ ધરાશાયી થયા હતા. જેમાં મુખ્યત્વે વરાછા મીનીબજાર, બમરોલી કૈલાશનગર, પીપલોદ ઈચ્છાનાથ પાસે, પરવટ પાટિયા સહિતના વિસ્તારમાં ઝાડ પડ્યા હતા. ફાયર વિભાગની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં જઈને રસ્તા ઉપરથી વૃક્ષો કટિંગ કરી તેને દૂર કરવાના કામમાં વ્યસ્ત રહ્યા હતા.
શહેરના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં સોમવારે રાતે વૃક્ષ ધરાશાય થતા 26 વર્ષિય મજીબુરા યુસુફા લશ્કરને ઈજા પહોંચી હતી. જેને પગલે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘાયલ યુવક મજીબુરાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી હોવાલુ ફાયરના સુત્રો એ જણાંવ્યુ હતું. આ ઉપરાંત બમરોલીમાં રિક્ષા ઉપર અને પીપલોદમાં કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું. ફાયર વિભાગની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં જઈને રસ્તા ઉપરથી વૃક્ષો કટિંગ કરી તેને દૂર કરવાના કામમાં વ્યસ્ત રહ્યા હતા.