SURAT

‘મારા ભાઈને કેમ માર્યો’ એવું પૂછનારને ભાઈના મિત્રોએ રહેંસી નાંખ્યો: સુરતમાં ત્રણ કલાક ચાલ્યો ખૂની ખેલ

સુરત : ગોડાદરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની પોલ ખુલી છે. રાત્રે સાડા બાર વાગ્યે નાના ભાઈ ઉપર આઠ-દસ લોકોના ટોળાએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. નાનો ભાઈ બચીને માંડ ઘરે પહોંચ્યો હતો. અને બે કલાક પછી માતા-પિતા તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે મોટો ભાઈ તેના ભાઈના હુમલાખોરોને કેમ માર્યો તે પુછવા ગયો અને ત્રણ વાગ્યાના અરસામાં તેની ઉપર પણ હુમલો કરીને તેને પતાવી દીધો હતો. રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચાલેલી આ ધમાલની પોલીસને ભનક પડી નહોતી. બાદમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • નાના ભાઈ ઉપર હુમલો કરનારાઓને પુછવા ગયેલા મોટા ભાઈને બેરહેમીથી પતાવી દીધો
  • જેની હત્યા થઈ તેના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
  • પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલી, ત્રણ કલાક ખુની ખેલ ચાલ્યો છતાં પોલીસને ભનક સુદ્ધા આવી નહી !

ગોડાદરા ખાતે ધીરજનગર સોસાયટીમાં રહેતી 42 વર્ષીય આશાબેન રવિન્દ્રભાઈ કુંવરે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેના પુત્રની હત્યા કરનારાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આશાબેનને સંતાનમાં બે પુત્રો છે. મોટો પુત્ર કમલેશ (ઉ.વ.26) અને નાનો પુત્ર નિલેશ (ઉ.વ.24) છે. મોટા પુત્રના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા.

ગઈકાલે રાત્રે બંને પુત્રો કામ પરથી ઘરે આવ્યા બાદ નાનો દિકરો નિલેશ રાત્રે સાડા નવેક વાગ્યે મિત્રો સાથે બેસવા કલાકુંજ સોસાયટીમાં ગયો હતો. ઘરના બીજા સભ્યો સુઈ ગયા હતા. ત્યારે રાત્રે સાડા બારેક વાગ્યે નિલેશ લોહીલુહાણ હાલતમાં ઘરે આવ્યો હતો. તેના ગળાના ભાગે, કાન, પીઠ અને જાંઘના ભાગે ચપ્પુના ઘા હતા.

નિલેશ તેના મિત્ર યશ અને દીનુ સપકાળે સાથે બેસેલો હતો. ત્યારે દીનુ સાથે મજાક મસ્તીમાં ઝઘડો થઈ ગયો હતો. અને દીનુ સાથેના અંકુશ ભોઈ, પિંકેશ પટેલ, શૈલેષ ઉર્ફે લાલુ નાયકા અને ગીરનારી મળીને માર માર્યો હતો. ત્યારે લાલુ, અંકુશ, દીનુ અને પિંકેશે ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો. નિલેશે હોસ્પિટલ જવાની ના પાડી પરંતુ બે કલાક પછી તબિયત વધારે બગડતા તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. હજી તો નાના દિકરાને હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં મોટા દીકરા કમલેશને પણ 108 માં લોહીલુહાણ હાલતમાં સ્મીમેરમાં ખસેડાયો હતો. જ્યાં તબીબે કમલેશને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

ભાઈને કેમ માર્યો તેમ પુછવા કમલેશ ગયો અને તેને જ પતાવી દીધો
નિલેશને તેના માતા પિતા હોસ્પિટલ લઈ ગયા ત્યારે કમલેશ તેના મિત્ર અજય અને અન્ય એક મિત્રને લઈને દીનુને મળવા ગયો હતો. કલાકુંજ સોસાયટીની સામે દિનુ તેના મિત્રોની સાથે બેસેલો હતો. કમલેશ મોપેડ પરથી ઉતરીને લાલુ નાયકા પાસે ગયો હતો. ત્યારે લાલુએ તું મને મારવા આવ્યો છે કે શું તેમ કહીને બોલાચાલી કરી હતી. કમલેશે તેના ભાઈને કેમ માર્યો એટલું જાણવું છે તેમ કહેતા જ શૈલેષ ઉર્ફે લાલુ નાયકા, દીનુ સપકાળે, અંકુશ ભોઈ, પિંકેશ પટેલ અને ગીરનારી તથા અન્ય ત્રણેક જણાએ મળીને કમલેશને તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

કમલેશ જીવ બચાવવા ભાગતા પડી ગયો પછી દીનુએ માથામાં ચપ્પુના 3 ઘા માર્યા
અંકુશે ચપ્પુ વડે કમલેશને પીઠમાં આડેધડ ઘા માર્યા હતા. જેથી કમલેશ જીવ બચાવવા કલાકુંજ સોસાયટીની ગલીમાં ભાગવા લાગતા આ લોકો તેની પાછળ ભાગ્યા હતા. કમલેશ ભાગતા ભાગતા રસ્તા પર પડી ગયો હતો. ત્યારપછી પણ દીનુએ ચપ્પુ વડે તેના માથાના ભાગે ત્રણેક ઘા માર્યા હતા. કમલેશે બચાવ કરવા જતા પિંકેશે તલવાર વડે કાંડા પર ઘા માર્યો હતો. અને બીજા આરોપીઓએ મળીને કમલેશને લાતો મારી પત્થર અને ટાઈલ્સના ટુકડા ઉંચકીને આડેધડ માર્યા હતા. અને તમામ ભાગી ગયા હતા.

પોલીસને કોઈ પણ જાણ કરી નહીં એ તેમની ભુલ છે
ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર જે.સી.જાદવએ જણાવ્યું હતું કે, જ્યારે નિલેશ પર હુમલો થયો ત્યારે જ પોલીસને જાણ કરવી હતી. પરંતુ તેઓએ પોલીસને જાણ નહોતી કરી. અને મોટો ભાઈ રાત્રે પાછો પોલીસને જાણ કર્યા વગર આરોપીઓ પાસે ગયો હતો. આરોપીઓમાં અંકુશની સામે મારામારીના અગાઉ ગુના દાખલ છે. વધારે તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top