શહેરના લીંબાયત વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની રાત્રીએ ખેલાયેલા ખૂની ખેલ બાદ હવે ભેસ્તાન વિસ્તારમાં પણ લોહિયાળ ખેલ ખેલાયો છે. ઘરના ધાબા ઉપર પેશાબ કરવાને મુદ્દે બોલાચાલી અને ઝગડો થયા બાદ ચાર સગીર સહીત પાંચ આરોપીઓ તીક્ષ્ણ હથિયાર અને લાકડાના ઠંડા લઈને ઘરમાં ઘુસી ગયા હતા અને બે ભાઈ તથા તેમની પત્નીઓ સાથે મારામારી કરી તથા ભને ભાઈઓ ઉપર ચપ્પુ વડે હુમલો કરી જેમાં એકની હત્યા કરી સ્થળ પરથી ભાગી ગયા હતા જયારે ચપ્પુના ઘાને પગેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક ભાઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ સગીર વયના આરોપીઓ દ્વારા ખેલાયેલા આ ખૂની ખેલની ઘટના અંગે જાણ થતા ભેસ્તાન પોલીસ દોડતી થઈ ગઈ હતી જયારે હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ સગીર સહિતના આરોપીઓને ડિટેન કર્યા છે.
ભેસ્તાન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉન ભેસ્તાન ખાતે આવેલા તિરૂપતિનગરમાં 28 વર્ષીય મોહમ્મદ મુઝફ્ફર હુસેન મોહમ્મદ અસગર અલી અંસારી તથા તેનો નાનો ભાઈ 24 વર્ષીય મોહમ્મદ જફર હુસેન મોહમ્મદ અસગર અલી અંસારી અને બન્નેની પત્રીઓ અજમેરી ખાતુન મુઝફ્ફર હુસેન અંસારી અને સાજીદા ખાતુન જફર અંસારી નાઓ સાથે રહેતા હતા.
દરમિયાન ગઈ કાલે સાંજે ચાર સગીર સહિતના પાંચ આરોપીઓ ચપ્પુ અને લાકડાના ઠંડા લઈને તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને બન્ને ભાઈઓ સાથે મારામારી કરી મોહમ્મદ જફર અંસારીને છાતીના ભાગે ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી, જયારે તેના મોટાભાઈ મુઝફ્ફર અંસારીને પણ ગંભીર ઘા ઝીંકી દેતા તેને લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આરોપીઓએ આ ખૂની ખેલ ખેલ્યા બાદ બંને ભાઈઓના પત્રીઓ સાથે પણ મારામારી કરી હતી અને સ્થળ પરથી ભાગી છૂટયા હતા. બીજી તરફ પરિવાર ઉપર થયેલો હુમલો અને હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે જાણ થતા જ ભેસ્તાન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી તપાસ હાથ પરી હતી. ત્યાર બાદ આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ ગાભણીએ જણાવ્યું હતું કે પાંચ પૈકી ચાર આરોપીઓ સગીર વયના છે અને પરિવારના ઘરના ધાબા ઉપર પતંગ ચગાવવા ગયા અને ત્યાં રમતા હતા અને ધાબા પર પાણી ટાકી પાસે પેશાબ કરતા હતા જે બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી અને મામલો મારામારી અને હત્યા સુધી પહોંચી ગયો હતો. આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.