ભરૂચ: જંબુસર-ભરૂચ (Bharuch) રોડ પર ગાર્ડન હોટલ પાસે રાત્રે આગળ આવીને બે મોટરસાઈકલ જોરદાર રીતે અથડાતાં (Accident) મગણાદના યુવકનું કરુણ મોત (Death) થયું હતું. જ્યારે અન્ય ચાર જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. અકસ્માતમાં મગણાદના યુવકના મોતના સમાચાર મળતાં માતમ છવાઈ ગયો હતો.
જંબુસર તાલુકાના મગણાદના ૧૮ વર્ષનો મયૂર ભૂપેન્દ્ર ઠાકોર તેમના મિત્ર પીયૂષ શૈલેષ ઠાકોર અને વિજય ભીખા ડોડિયા સાથે મોટરસાઈકલ પર જંબુસરના જાની ફળિયામાં લગ્નપ્રસંગે નીકળ્યા હતા. ગુરુવારે રાત્રે લગભગ ૮.૧૫ વાગ્યાના અરસામાં ભરૂચ-જંબુસર રોડ ઉપર એક મોટરસાઈકલ પૂરપાટ ઝડપે ઓવર ટ્રેક કરી તેમની મોટરસાઈકલ સામે જોરદાર રીતે અથડાતાં તેમની મોટરસાઈકલ પર બેઠેલા ત્રણેય જણા રોડ પર પર પડ્યા હતા. જ્યારે સામેની કેસરી કલરની નંબર પ્લેટ વગરની મોટરસાઈકલ હતી. આ બાઇક ઉપર સવાર જંબુસરના તોફિક રફીક મિરઝા (ઉં.વ.૨૫) તેમજ શાહિદ સાદિક શેખ (ઉં.વ.૨૨) સહિત પાંચેયને ઈજા થતાં જંબુસરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પીયૂષ શૈલેષ ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત ઈસમોને સારવાર માટે બરોડા રિફર કરાયા હતા. સમગ્ર ઘટના અંગે જંબુસર પોલીસે કેસરી કલરની અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બાઈકને ઓવરટેક કરનારા ટ્રકચાલકનો રસ્તો આંતરી બાઈકર્સ ગેંગે માર માર્યો
ઝઘડિયા: ઝઘડિયાના રાજપારડી ગામે રહેતા આકાશ મુખ્ત્યાર શેખ છેલ્લાં બે વર્ષથી એક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગતરોજ મોડી રાત્રે આકાશ ટ્રક લઈ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં કદવાલી ગામ પાછળ થઈને કાચા રસ્તા ઉપરથી ચોકી ગામ તરફ જતો હતો. દરમિયાન કદવાલી અને ચોકી ગામ વચ્ચે બે અજાણ્યા ઇસમ બાઈક ઉપર જતા હતા તેમણે ટ્રકચાલકને ઊભા રહેવા ઇશારો કર્યો હતો. જેથી ટ્રકચાલક આકાશે તેની ટ્રક ઊભી રાખી હતી.
બાઈકસવારોએ ટ્રકચાલકને કહ્યું હતું કે, તને અમારી બાઈક દેખાતી નથી કે અમને ઓવરટેક કરે છે ? તેમ કહી બંનેએ ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ખેંચી નીચે પાડી દીધો હતો અને ઢીકાપાટુનો માર મારી દંડાથી સપાટા માર્યા હતા. ઇજાગ્રસ્ત ટ્રકચાલક અંધારાનો લાભ લઈ ભાગવા લાગ્યો હતો, ત્યારે બંને બાઈકસવારોએ ધમકી આપી હતી કે, હવે પછી કોઈ બાઇકવાળાને ઓવરટેક કરી આગળ નીકળીશ તો જાનથી મારી નાંખીશું, તેમ કહીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ટ્રકચાલક આકાશ નજીકમાં આવેલી ક્વોરી પર ગયો હતો. જ્યાંથી તેના સગા-વહાલાને ફોન કરી બોલાવતાં ઘાયલ આકાશને અવિધા સરકારી દવાખાને લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ ઘટના બાબતે આકાશ મુખ્ત્યાર શેખે બે અજાણ્યા બાઇકસવારો વિરુદ્ધ રાજપારડી પોલીસમથકમાં ફરિયાદ લખાવી હતી.