સુરત : પૂણાગામ વિસ્તારમાં રહેતો 15 વર્ષિય કિશોર તેના ભાઈ સાથે બાઈક પર મહેમાનો માટે પાન-મસાલા લેવા માટે ગયો હતો. રસ્તામાં કારગીલ ચોક પાસે સામેથી આવતા બાઈકરે ટક્કર મારતા બંને ભાઈઓ ફંગોળાયા હતા. બંનેને ઇજા થઈ હતી. તેમાં બાઇક ચલાવતા ભાઈનું મોત નિપજ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પૂણાગામ વિસ્તારમાં આવેલા સીતારામ ફાર્મ નજીક નારાયણ ચંદ્રવંશી પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્ર અને એક પુત્રી છે. બે જુલાઈના રોજ તેમના ઘરે મહેમાન આવ્યા હતા.
મોટો પુત્ર જીતેન્દ્ર (15 વર્ષ) મહેમાનો માટે પાન-મસાલો લેવા માટે બાઇક પર નાના ભાઈને લઈને દુકાને ગયો હતો. બંને ભાઈ પાન-મસાલો લઈને ઘરે આવી રહ્યા હોય ત્યારે કારગીલ ચોકથી કિરણ ચોક વચ્ચે સામેથી આવતા બાઇકરે તેમને ટક્કર મારી હતી. સામેથી આવતી બાઇક પર પણ બે જણા સવાર હતા. બીજી બાઇકની ટક્કર લાગતા બંને ભાઈઓ ફંગોળાયા હતા.
જેમાં જીતેન્દ્રને ગંભીર ઇજા થઈ હતી. નાના ભાઈએ ઘરે આવીને પરિવારજનોને ઘટના વિશે જાણ કરી હતી. પરિવારજનો જીતેન્દ્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. 3 જી તારીખે સારવાર દરમિયાન જીતેન્દ્રનું મોત નિપજ્યું હતું. કાપોદ્રા પોલીસે બાઇક સવાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
કાપોદ્રા ભગવતી સર્કલ પાસે ભુવો પડતાં મનપા તંત્ર દોડતું થયું
સુરત: શહેરમાં છેલ્લા ઘણાં દિવસોથી રસ્તા પર તેમજ બ્રિજ પર ખાડા અને ભુવા પડવાની ઘટના વધી છે. હવે શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભુવો પડતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા ભુવાના કારણે વાહન ચાલકોના માથે જીવનું જોખમ ઉભું થવા પામ્યું છે. મનપાને ફરીયાદ મળતા જ ભુવાનું રીપેરીંગ કામ શરૂ કરાયું છે.
શહેરના વરાછા ઝોન-એમાં સમાવિષ્ટ કાપોદ્રામાં ભગવતી સર્કલ પાસે ગઈકાલે મોડી રાત્રે ભુવો પડી ગયો હતો. જેની જાણ વિપક્ષના સભ્યને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઝોનમાં આ અંગે જાણ કરી હતી. જેને પગલે ઝોનની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રાત્રે તો માત્ર ઝાડની ડાળીઓ ભૂવામાં મુકીને ટીમ રવાના થઈ ગઈ હતી, પરંતુ બીજા દિવસે સવારથી ભુવાના સમારકામ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.