શહેરના પુણાગામ માનસરોવર સ્કુલની સામે આવેલી સોસાયટીના એક મકાનમાં એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી કેટરીંગના બે કારીગરોને રૂપિયા 500 ના દરની 18 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાથમિક પુછપરછમાં ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાની ગેરકાયદે પ્રવૃતિ કરનારા આરોપીઓ ડુપ્લીકેટ નોટો પશ્ચિમ બંગાળથી લાવ્યા હતા અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોના શાક માર્કેટ અને પાનના ગલ્લા ઉપર વટાવતા હતા. એસઓજીએ 9 હજાર ડુપ્લીકેટ નોટો, 3 મોબાઈલ ફોન તેમજ ડુપ્લીકેટ નોટો વટાવીને મેળવેલા રોકડા 1 લાખ કબજે કર્યા હતા.
એસઓજીના જણાવ્યા મુજબ પીઆઈ એ.પી.ચૌધરીએ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી માર્કેટમાં ડુપ્લીકેટ નોટો ફરતી કરનાર તત્વો સામે કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જે અંતર્ગત સ્ટાફના માણસો તે દિશામાં તપાસ કરતા હતા.
એએસઆઈ મિતેષસિંહ દિલીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભિમાભાઈને મળેલી બાતમીના આધારે પુણાગામ, માનસરોવર સ્કુલની સામે, બાપાસીતારામ (સોસાયટીના ધર નં-26માં પહેલા માળે રેડ પાડી હતી જેમાં તપાસ દરમ્યાન ઘરમાં રહેતા સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર માવજી લાઠીદડીયા (ઉં.વ.55 ધંધો કેટરીંગ કામ) અને વિજય નરશી ચૌહાણ (ઉં.વ.27.ધંધો. કેટરીગ કામ રહે, રામદેવ સોસાયટી પુણાગામ) પાસેથી રૂપિયા 500ના દરની 18 ડુપ્લીકેટ નોટ એટલે 9 હજાર રોકડા મળી આવ્યા હતા.

બંને આરોપીઓની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં સુરેશ ઉર્ફે ગુરુજીએ આ ડુપ્લીકેટ નોટો પશ્વિમ બંગાળના માલદા ખાતે રહેતા તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા રઈજુદ્દિન શેખ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. સાંજના સમયે શાકમાર્કેટ તથા પાનના ગલ્લા પર તેઓ નકલી નોટ વટાવતા હતા. એસઓજીએ વિજય અને સુરેશ પાસેથી 500ના દરની ડુપ્લીકેટ 18 નોટો, 3 મોબાઈલ અને ડુપ્લીકેટ નોટો વટાવી તેમાંથી મેળવેલા રોકડા 1,03,830 કબજે કર્યા હતા.
બાંગ્લાદેશથી નકલી નોટો ઘુસાડવામાં આવી
એસઓજીની પુછપરછમાં આરોપી સુરેશ ઉર્ફે ગુરુજી અને વિજય ચૌહાણએ આ ડુપ્લીકેટ નોટો પશ્વિમ બંગાળના માલદાના તાહીર શેખ પાસેથી લાવ્યા હતા. જયારે તાહીર શેખ આ ડુપ્લીકેટ નોટો બાંગ્લાદેશ ખાતેથી મંગાવતો હતો. ડુપ્લીકેટ નોટો બાંગ્લાદેશથી વાયા પશ્ચિમ બંગાળ થઈ સુરતમાં ઘુસાડવામાં આવતી હતી.

સુરેશ અઠંગ ગુનેગાર
પોલીસની તપાસમાં સુરેશ ઉર્ફે ગુરૂજી ડુપ્લીકેટ નોટોના કારોબારમાં અઠંગ ખેલાડી નિકળ્યો છે. આ પહેલા તે સુરત ડીસીબીમાં, જુનાગઢમાં એટીએસમાં પકડાઈ ચુક્યો છે આ ઉપરાંત તેની સામે કલક્તા, અમદાવાદ અને જુનાગઢમાં ઍનઆઈએ દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
રોકડા 2 લાખ ચૂકવી 6 લાખની ડુપ્લીકેટ નોટો લાવ્યા હતા
ડુપ્લીકેટ નોટોના કાળા કારોબારમાં માસ્ટર ખેલાડી બની ગયેલા સુરેશ ઉર્ફે ગુરુજી લાઠીદડીયાએ પશ્ચિમ બંગાળના માલદાના તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા શેખ પાસેથી રોકડા 2 લાખ અસલી નોટો આપી તેના બદલામાં 6 લાખની 500ના દરની ડુપ્લીકેટ નોટો લાવ્યો હતો.
નવ મહિનાથી પોલીસ નજર રાખી રહી હતી
પોલીસ કમિશનર દ્વારા ભારતીય દેશના અર્થતંત્રને ખોખલુ કરવા પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી ડુપ્લીકેટ નોટો લાવી સુરતમાં શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ફરતી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જે અંતર્ગત એસઓજીના અધિકારીઓએ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ડુપ્લીકેટ નોટો છાપતા તત્વો ઉપર ચાંપતી નજર રાખતા હતા. આરોપીઓને રંગેહાથે પકડવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોના શાક-માર્કેટ તથા પાનના ગલ્લાઓ ઉપર છેલ્લાં નવ મહિનાથી વોચ રાખતા હતા.
