સુરત: સુરત સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે જિલ્લામાં વરસાદનો જોર ચાલુ રહ્યો હતો.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ આંકડાઓ પરથી ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 41 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે સુરત શહેરમાં 27 મીમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરતા સાવચેતી રાખવા જણાવ્યું છે. ખેડૂતોને ખેતીના કામકાજ માટે યોગ્ય આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે નાગરિકોને વરસાદી તોફાન વચ્ચે સલામતીના પગલાં લેવાની વિનંતી કરવામાં આવી છે. સુરત શહેરમાં આજે મહત્તમ તાપમાન ગઈકાલની સરખામણીએ અઢી ડિગ્રી વધીને 30.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન આંશિક ઘટીને 24.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરમાં હવામાં 86 ટકા ભેજ જોવા મળી હતી, જ્યારે દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પ્રતિ કલાક 4 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.
તાલુકાવાર વરસાદની નોંધ (મીમીમાં)
ઓલપાડ 04
માંગરોળ 22
ઉમરપાડા 41
માંડવી 18
કામરેજ 18
સુરત 27
ચોર્યાસી 06
પલસાણા 33
બારડોલી 16
મહુવા 29
ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.25 લાખ ક્યુસેક, સપાટી 334.91 રૂલ લેવલની લગોલગ પહોંચી ગઈ
સુરત: સુરત જિલ્લાનો જીવનદાયી ઉકાઈ ડેમ વરસાદી મોસમમાં સતત ભરાઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટ્યું હોવા છતાં ડેમમાં પાણીની આવક-જાવક હાલ 1.25 લાખ ક્યુસેક સુધી પહોંચી ગઈ છે. જેના કારણે ડેમની સપાટી 334.91 ફુટે પહોંચી છે. આ સપાટી ડેમના નક્કી કરાયેલા રૂલ લેવલ 335 ફુટની લગોલગ આવી પહોંચી છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં છેલ્લા દિવસોમાં વરસાદનું જોર ઘટતા ઉપરવાસના ડેમોમાંથી છોડાતું પાણી પણ તબક્કાવાર ઘટ્યું છે. હાલ હથનુર ડેમમાંથી 73 હજાર ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 1.22 લાખ ક્યુસેક પાણી ઉકાઈ તરફ આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં આવક-જાવક બંને સરખી માત્રામાં એટલે કે 1.25 લાખ ક્યુસેક જેટલી થઈ છે. પાણીની સપાટી 334.91 ફુટ પર પહોંચતાં ડેમ હવે તેની રૂલ લેવલ 335 ફુટની નજીક આવી ગયો છે. વરસાદી માહોલ યથાવત રહે તો આગામી દિવસોમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શક્યતા ઊભી થઈ શકે છે.
ઉપરવાસમાં વરસાદના આંકડા
ટેસ્કા 14 મીમી
લુહારા 43 મીમી
સરંગખેડા 12 મીમી
શીરપુર 13 મીમી
ડામરખેડા 55 મીમી
ચાંદપુર 40 મીમી
ખેતીયા 25 મીમી
નંદુરબાર 14 મીમી
સાગબારા 30 મીમી
ઉકાઈ 74 મીમી
નિઝર 23 મીમી
કુકરમુંડા 18 મીમી
ચોપડવાવ 26 મીમી
કાકડીમ્બા 35 મીમી