Charchapatra

બે વિમાનવાહક, ચીન અને ભારતના

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીજીએ ભારતમાં જ બનેલું પ્રથમ વિમાન વાહક યુધ્ધ જહાજ આઇએનએસ વિક્રાંત ભારતીય નૌકાદળને સુપ્રત કર્યું. એના ચાર મહિના પહેલાં ચીને પણ સ્વનિર્મિત વિમાન વાહક યુધ્ધ જહાજ પોતાના નૌકા દળમાં સામેલ કરેલું. બંને જહાજો પોતપોતાના દેશના પ્રથમ સ્વનિર્મિત જહાજ છે. આ અંગે ઘણી માહિતી 3/9 તથા 7/9 ના ‘ગુજરામિત્ર’માં દર્શાવાઇ છે. પરંતુ બંને દેશના વિમાન વાહકોની શકિતઓમાં ઘણો મોટો તફાવત છે. ભારતીય વિમાન વાહક 40 હજાર ટન વજનનું છે. ચીનનું 70000 ટન વજન ધરાવે છે. ભારતીય જહાજ ઉપર 30 ફાઇટર વિમાનો અને 8 સર્વેલંસ હેલીકોપ્ટરો રહી શકે છે. જયારે ચીની વિમાન વાહક ઉપર 50 ફાઇટર પ્લેન અને 12 હેલીકોપ્ટરો રહેશે. બંનેની શકિતમાં જમીન આસમાનનો ફરક છે.

ચીની યુધ્ધ જહાજમાં લાંબા અંતરે પ્રહાર કરે તેવા લોંગ રેંજ મીસાઇલો હોવાથી તે પોતાના ઉપગ્રહો દ્વારા આંતરખંડીય યુધ્ધ લડવાની ક્ષમતા ધરાવે છે. આ યુધ્ધ જહાજ અરબ મહાસાગરમાં રહી અમેરિકા જેવા દેશ ઉપર પ્રહાર કરી શકે છે. ભારતીય જહાજ માત્ર 1000 કિ.મી.ની ત્રિજયામાં પ્રાદેશિક યુધ્ધ લડી શકે છે. આપણા વિમાન વાહકમાં લોંગરેન્જ મીસાઇલોની કમી ખતરનાક બને છે. આપણે આવી કમીઓ ઉપર સત્વરે કામ કરી તેને દૂર કરવાની જરૂર છે અને તો જ આપણે ચીન જેવા ધૂર્ત દેશને જવાબ આપી દાબમાં રાખી શકીએ! અત્યારે આપણું નૌકાદળ સીમિત પ્રહાર ક્ષમતાને કારણે અમેરિકા-રશિયા-ચીન-બ્રિટન પછીના ક્રમે સ્થાન પામે છે. આપણે આપણી કમીઓને ત્વરિત સુધારવાની જરૂર છે. ચીન પાસે જબરજસ્ત સમુદ્રી શકિત છે એ ધ્યાન રાખો.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલ વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top