નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે ટ્વીટર (Twitter) અને યુટ્યુબને (Youtube) જણાવ્યું છે કે તેઓ તેમના સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ પરથી પરફ્યુમની એક બ્રાન્ડની (Brand) તે વીડિયો (Video) એડવર્ટાઇઝ પાછી ખેંચી લે જે મહિલાઓ સામેની જાતીય હિંસાને ઉત્તેજન આપે છે.
ટ્વીટર અને યુ-ટ્યુબને લખેલા પત્રોમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ જાહેરાતના વીડિયો એ શોભનીયતા અને નૈતિકતાની રીતે મહિલાઓનું ખોટું ચિત્રણ કરે છે અને તે માહિતી ટેકનોલોજી માર્ગદર્શિકાઓ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડનો ભંગ કરે છે. આ પરફ્યુમ બ્રાન્ડના વીડિયોઝે સોશ્યલ મીડિયાના એક મોટા વર્ગમાં રોષ જન્માવ્યો છે, જેઓ દાવો કરે છે કે આ જાહેરાત મહિલાઓ સામે જાતીય હિંસાને ઉત્તેજન આપવા માગે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના ધ્યાન પર એ બાબત આવી છે કે એક ડિઓડરન્ટની અયોગ્ય અને અપમાનજનક જાહેરાત સોશ્યલ મીડિયા પર ફરી રહી છે. મંત્રાલયે યુ-ટ્યુબ અને ટ્વીટરને આ જાહેરાતની તમામ બાબતો તત્કાળ રીતે પાછી ખેંચી લેવા જણાવ્યું છે એમ એક સત્તાવાર પ્રવકતાએ જણાવ્યું હતું.
ટ્વીટર અને યુટ્યુબને લખેલા પત્રોમાં મંત્રાલયે જણાવ્યુ હતું કે એડવર્ટાઇઝમેન્ટ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પણ આ વીડિયોઝ તેની માર્ગદશિકાઓનો ભંગ કરતા જણાયા છે અને તેણે જાહેરાતકર્તાને આ જાહેરાત તત્કાળ અસરથી પાછી ખેંચી લેવા જણાવ્યું છે.
શોટ નામના એક પરફ્યુમની જાહેરાત અંગે આ વિવાદ થયો છે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યું હતું કે આ જાહેરાત ગેંગરેપ કલ્ચરને ઉત્તેજન આપે તેવી છે. શોટ નામના પરફ્યુમને લગતી બે જાહેરાતો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. એકમાં બતાવવામાં આવ્યું છે કે છોકરાના ચાર મિત્રો અચાનક રૂમમાં પ્રવેશે છે અને ‘શોટ માર લગતા હૈ’ પૂછે છે. અને છોકરી સાથે બેઠેલો છોકરો જવાબ આપે છે, ‘યા મારા ના’. ત્યારે ચારમાંથી એક છોકરો કહે, ‘હવે આપણો વારો’. છોકરાઓની વાતચીત સાંભળીને ત્યાં બેઠેલી છોકરી ડરી જાય છે કારણ કે તેને લાગે છે કે રેપ થવાનો છે. પણ પછી છોકરાઓ શોટ નામની પરફ્યુમની બોટલ ઉપાડે છે. આના પર યુવતી પોતાને સુરક્ષિત અનુભવે છે.
તે જ બ્રાન્ડની જાહેરાતના બીજા વીડિયોમાં, ચાર છોકરાઓ એક સ્ટોરમાં છોકરીનો પીછો કરે છે. છોકરીની પાછળ ઊભા રહીને તેઓ એકબીજાની વચ્ચે વાત કરે છે, ‘આપણે ચાર છીએ અને આ એક, જે શોટ લેશે’. આ સાંભળીને છોકરી ડરી જાય છે. પછી પહેલા વીડિયોની જેમ, એક છોકરો શોટ નામની પરફ્યુમની બોટલ ઉપાડે છે. આ પછી બતાવવામાં આવ્યું છે કે છોકરી સુરક્ષિત અનુભવે છે. આ બંને વીડિયોની નોંધ લેતા, દિલ્હી મહિલા આયોગે તેમને ‘ગેંગ રેપ’ કલ્ચરને પ્રોત્સાહન આપતા ગણાવ્યા. સ્વાતિ માલીવાલે મંત્રાલયને પત્ર લખવાની સાથે દિલ્હી પોલીસને પણ ફરિયાદ કરી છે અને આ મામલે એફઆઈઆર નોંધવાની સાથે 9 જૂન સુધીમાં કાર્યવાહી રિપોર્ટ માંગ્યો છે.