Columns

વાતમાં વળ

‘તો ફાઈનલી અમારે સમજવાનું શું? તમે ગાંધીજીના સમયમાં ગયા હતા કે નહોતા ગયા?’ લૈલાએ સ્વરમાં અકળામણ સાથે પૂછ્યું. લૈલા અને હવાલદાર શિંદે, બંને મારી ચાના ગ્રાહક ઓછા અને મિત્ર વધારે. ગયા અઠવાડિયે મેં ટાઈમ ટ્રાવેલ કરી ગાંધીજીના સમયમાં, 1942માં આંટો મારેલો એમ મને લાગતું હતું. રૂપા મને લઇ ગઈ હતી પણ પાછા આ સમયમાં આવ્યા બાદ હવે હું નક્કી નહોતો કરી શકતો કે ખરેખર એ ટાઈમ ટ્રાવેલ હતો કે મારો ભરમ. એ બાબત લૈલા અને શિંદે વાત પૂછી રહ્યા હતા. મેં દૂધ ઉકાળવા મૂકતા કહ્યું. ‘બને કે મેં ટાઈમ ટ્રાવેલ કર્યો હોય, બને કે ન કર્યો હોય. તેથી શું?’ આ સાંભળી લૈલાએ મ્હોં બગાડ્યું અને શિંદે હસી પડતા બોલ્યો ‘અજુન તુઝયા લગીન ઝાલં નહીં તરીહી અસં સંસારી માણસા સારખાં તત્ત્વજ્ઞાન કા માંડતોસ?’

આ સાંભળી લૈલા છંછેડાઈ : ‘ક્યા શિંદે? શાદી કરને વાલા આદમી દુઃખ ઝેલ ઝેલ કર ફિલોસોફર બન જાતા હૈ ક્યા? એસા હૈ તો તુમ મરદ લોગ શાદી હી ક્યોં કરતે હો? શાદી હોને કે બાદ યે તત્ત્વજ્ઞાન સમઝ મેં આ ગયા તો લે લેને કા ના ડિવોર્સ! શાદી હી હૈ – કોઈ કાલા પાની કી સજા તો નહીં જો તુમ લોગો કો આઝાદી ના મિલે?’ ‘બોલ દિયા ડિવોર્સ લો! બચ્ચો કે ક્યા ફિર?’ શિંદેએ પૂછ્યું. ‘શાદી જેલ હૈ યા પિકનિક યે ક્લિયર હોને સે પહેલે બચ્ચે પૈદા કરને કૌન બોલા થા ઉસકો પૂછને કા.’ ‘ઓ ફેમિનિસ્ટ બાઈ!’ શિંદેએ લૈલાને કહ્યું. ‘તું કશાલા તુઝયા અંગા વર ઘેતેય ! મી હયાલા સાંગતોય.’

‘જિસકો સાંગના હૈ સાંગો પર ફાલતુ બાત નહીં કરને કા- ઔર ઇસ કો ક્યા પૂછતે હો? એક ભી બાત કા ઢંગ કા જવાબ હૈ ક્યા ઇસ કે પાસ? અપન સબ જાનતે હૈ કી યે રૂપા પર મરતા હૈ ઔર રૂપા ભી ઇસ કો દાને ડાલતી રહતી હૈ પર કુછ ક્લિયર કરને બોલો તો ઇસ કા જવાબ ક્યા હોતા હૈ? બોલેગા – હો સકતા હૈ કી એસા કુછ હો યા હો સકતા હૈ એસા કુછ ન હો. યે સારે ગાને ઇસ એક હી ધૂન મેં ગાતા હૈ. અભી ભી ક્યા બોલા, સુના ના?’ પછી મારા ચાળા પાડતી હોય એમ મારો જવાબ બોલી : ‘બને કે મેં ટાઈમ ટ્રાવેલ કર્યો હોય, બને કે ન કર્યો હોય. તેથી શું?’- ક્યા ફડતુસ આદમી હૈ!  ‘આતા બોલ કી !’ શિંદેએ મલકાતાં મને કહ્યું. ઉકળી ચૂકેલા દૂધને ચૂલા પરથી ઉતારી અમારા ત્રણે માટે ચાનું પાણી ચઢાવતા મેં એ બંનેને કહ્યું. ‘ઠીક. સબ બાતોં કા જવાબ દેતા હું. બોલો પહેલે ટાઈમ ટ્રાવેલ કા જવાબ દું યા રૂપા રિલેશન કા ?’

‘રૂપા કી સ્ટોરી તો એવરગ્રીન હૈ. રોજ નયા એપિસોડ ટેલિકાસ્ટ હોતા હૈ, વો બાદ મેં બોલના. પહેલે યે ટાઈમ ટ્રાવેલ કા ચક્કર ક્લિયર કર. – તુમ ફ્લેશ બેક કે ટાઈમ મેં ગયા થા કી નહીં ગયા થા?’ ‘મુઝે લગતા હૈ કી નહીં.’ લૈલા અને શિંદે મને આઘાતથી જોઈ રહ્યા. ‘પણ તમે કહ્યું કે તમે આ શિંદેના પૂર્વજને મળેલા… તો શું એ બધું ગપ્પું હતું?’ ‘ના. એ ગપ્પું નહોતું. મળેલો.’ ‘મ્હણજે તુ ફ્લેશ બેક મધે ગેલા હોતા કી!’ શિંદેએ કહ્યું.  ‘નહીં.’ મેં મક્કમ સ્વરમાં કહ્યું.

લૈલાએ ખીજવાઈ જતા કહ્યું. ‘ગોળ ગોળ વાતો ન કરો. કાં તો તમે ટાઈમ ટ્રાવેલ કરી શિંદે ભાઈના પૂર્વજને મળ્યા કાં ટાઈમ ટ્રાવેલ કર્યો જ નહીં. તમે ટાઈમ ટ્રાવેલ પણ ન કર્યો અને આમના પૂર્વજને પણ મળ્યા -એમ બે વાત ન બની શકે.’ ‘બની શકે અને કદાચ બની છે.’ ‘દેખ લૈલા, મેરી બાત સુન યે આદમી બહુત ભંકસ હૈ. કોઈ મતલબ નહીં બાત કરને કા. ઇસ કો જબ બોલના હૈ તબ હી બોલેગા નહીં તો કિતના ભી પૂછો અપને કો બાતોં મેં ગોલ ગોલ ઘુમાતા રહેગા.’ શિંદેએ લૈલાને કહ્યું. પણ લૈલા હજી મારી તરફ ઉમેદભરી નજરે જોઈ રહી હતી કે હું કંઈક બોલું.

‘એ શિંદે! ગપ્પ બસ કી! આયક નીટ, મી કાય બોલતો તે.’ એમ કહી મેં શિંદેને ધમકાવ્યો અને બંનેને કહ્યું. ‘મુઝે એસા લગા કી રૂપા મુઝે અપને સાથ 1942 કે સમય મેં લે ગઈ થી. પર અગર સચ મેં વો લે ગઈ હોતી તો ઉસકા કોઈ કારણ હોતા ઔર વો અબ તક ક્લિયર હો જાતા. ઉસ બાત કો આજ 10 સે જ્યાદા દિન હો ગયે. રૂપા કી ઓર સે એસી કોઈ બાત નહીં આઈ કી હમ દોનોંને કોઈ ટાઈમ ટ્રાવેલ કિયા થા. એસા નહીં હોતા. ટાઈમ ટ્રાવેલ કોઈ ચાય કે બાંકડે કી મુલાકાત નહીં કે એક બાર મિલે ફિર ભૂલ ગયે! રૂપા કે વ્યવહાર સે મુઝે લગતા હૈ કી હમ દોનોં યું સાથ મેં કહીં નહીં ગયે થે. નહીં તો ઉસ વિષય પર હમારી બાદ મેં કોઈ બાત હુઈ હોતી.’ ‘તો તમે શિંદેભાઈના પૂર્વજને મળેલા, બીજા કેટલાય લોકોને મળેલા, ગાંધીજીની ધરપકડ થઈ એ જાણ્યું એ બધું શું હતું? જો ટાઈમ ટ્રાવેલ જ નહોતો કર્યો તો એ વાતો ક્યાંથી આવી!’ લૈલાએ પૂછ્યું.

‘મગજમાંથી.’ મેં જવાબ આપ્યો અને આગળ કહ્યું. ‘આપણું મગજ બહુ સ્માર્ટ છે. જ્યારે કશુંક બને ત્યારે એ બનાવને લગતો પોતાની પાસેનો આખો ડેટાબેઝ ધંધે લગાડી દે. ગાંધીજીના સમયનો એક ફોટો મેં બાવાજી પાસે જોયો અને એ ફોટામાં રૂપા જેવું કોઈક દેખાયું એમાંથી આ ટાઈમ ટ્રાવેલવાળી વાત આવી કે બની શકે કે આ રૂપા ટાઈમ ટ્રાવેલ કરતી હોય. આટલી વિગત પરથી મારા મગજે એક વાર્તા બનાવી મને સપનામાં દેખાડી હોય એવું બને. આ શિંદેના પૂર્વજ મળ્યા એ મારા મગજની કલ્પના હોઈ શકે.’ એ બન્ને આ સાંભળી ચૂપ થઈ ગયા. મેં એ બન્નેને ચા આપી અને મારી ચાનો એક ઘૂંટડો લઉં ત્યાં તો શિંદેએ કહ્યું. ‘ઠીક હૈ. પર ફિર તુ એસા ક્યોં બોલા કી ટાઈમ ટ્રાવેલ નહીં કિયા પર મેરે બાપદાદા કો મિલા વો સચ હૈ!’

‘મેરે કહેના મતલબ થા કી વો મૈને ફેંક નહીં મારી થી. વો મેરે દિમાગને બનાયા હુઆ આભાસી સત્ય થા.’ આ સાંભળી પોતાના હોઠો પર હાથની આંગળીઓ ઠપકારતા શિંદેએ કહ્યું. ‘અ…બ …બ…બ…બ…બ કાય વિદ્ધવાના સારખં ભાષણ ઠોકલા રે બાબા! તુ ચાયવાલા હૈ કી ટીવી ન્યૂઝ એંકર ? જૂઠી ન્યૂઝ કો કિતના કોન્ફિડન્સ સે સુનાતા હૈ રે!’ ‘શું યાર અમસ્તા દિમાગનું દહીં કરી નાખ્યું.’ લૈલાએ કહ્યું અને ઉમેર્યું. ‘હવે રૂપા સાથેનું એક્ઝેટ સ્ટેટસ શું છે એ બોલો.’ ‘હા. જનતા જાનના ચાહતી હૈ. બોલો.’ શિંદેએ કહ્યું. હું કંઈ બોલું એ પહેલાં સંભળાયું- ‘બોલો બોલો અમે બી હાંભરીયે!’

અમે ત્રણેએ ચમકીને જોયું તો રૂપા આવી હતી! શિંદે, લૈલા અને મને ગરમ ગરમ વડાંપાઉં આપી લૈલાની બાજુમાં બેસી જતા બોલી. ‘વડાંપાઉં ખાતા ખાતા બોલો જે બોલવાના ઓય તે!’ જેનો કોઈ ચોક્કસ અર્થ ન નીકળે એવું સ્મિત કરતા મેં રૂપાને પૂછ્યું. ‘શું વાત ચાલે છે એ તમે જાણો છો?’ ‘નહીં રે વરી! મને કાંથી ખબર ઓય તમે હું વાત કરતા ઉતા તે! પણ આ તો બે ઘડી ટાઈમ પાસ. કેમ? મારાથી હંભરાય એવું નથી કે?’ ‘સુનો સુનો રૂપામેડમ. અબ જો બાત હોને વાલી હૈ વો તો ખાસ તુમ્હારે લિયે હી હૈ.’ શિંદે રસના ઘૂંટડા પીતો હોય એમ લિજ્જત સાથે બોલ્યો. ‘થવા દો ત્યારે!’ તૂટેલો દાંત દેખાડતા સ્મિત સાથે રૂપાએ મને કહ્યું.

હું પળભર અચકાયો. એટલામાં સામે રોડ પર ચીચીયારી સાથે એક બાઈક લસરી પડ્યું. બાઈક પર સવાર એક પુરુષ અને મહિલા નીચે ગબડી પડ્યા. એ જોઈ શિંદે અને લૈલા તેમની તરફ દોડી ગયા અને એ બન્નેને ઊભા કરવા માંડ્યા …એમાં વાત ટળી ગઈ. રૂપાએ મને કહ્યું. ‘તમારી વાત અધૂરી રહી ગઈ.’ ‘ચાલ્યા કરે.’ મેં જવાબ આપ્યો. ‘ચાલ્યા કરે તેમાં જ તમે તો ખુશ! એમ ની ઓવું જોઈએ. માણહે વાત ચાલે એટલામાં રાજી થવાને બદલે વાત દોડે એવું કરવું જોઈએ…’ રૂપા બોલી.

આને ખબર પણ હશે કે એ શું બોલે છે એમ હું વિચારતો હતો ત્યારે એક ગ્રાહકે ચાના પૈસા ચૂકવ્યા તેમાં એક સિક્કો મને બહુ જૂનો લાગતા મેં તે પરત કરતા કહ્યું. ‘બીજો સિક્કો આપો, આ નહીં ચાલે.’ રૂપાની નજર એ સિક્કા પર પડતા એ હાથમાં લઈ નીરખવા માંડી. એ ગ્રાહક મને બીજો સિક્કો આપતો હતો ત્યારે રૂપાએ મને સિક્કો દેખાડતા કહ્યું. ‘કેટલો જૂનો સિક્કો છે આ! છેક ગાંધીજીના સમયનો! યાદ છે તમને ?’ હું ચમકીને રૂપા સામે તાકી રહ્યો. વાતમાં આ કેવો વળ?! પણ એ તો સિક્કો નિરખવામાં ગુમ હતી અને મારી નજર રૂપા પાછળ આવી ઊભેલા શિંદે અને લૈલા પર પડી જે વિસ્ફારિત નજરોએ મને જોઈ રહ્યા હતા….

Most Popular

To Top