Comments

ટ્રમ્પનાં જૂઠ્ઠાણાંનો પર્દાફાશ

અફવા વાયરા સાથે વહી જાય. ઘણી બધી અફવાઓના કારણે મોટાં મોટાં તોફાન ફેલાય છે. માણસ કીડી-મંકોડાની જેમ મારી નંખાય છે અને છેવટે જ્યારે વાતના મૂળમાં જાવ ત્યારે પેલી ‘વા, વાયાથી નળિયું ખસ્યું’તે વાત સાચી પડે છે. અમેરિકાના પ્રમુખપદની રેસમાં ઊભેલા અને કમલા હેરિસની ડિબેટ પહેલાં જેનો આકાશમાં પતંગ પૂરજોશમાં ઊડતો હતો તે ટ્રમ્પનો પતંગ આજકાલ હેરિસે કાપી નાખ્યો છે. ટ્રમ્પ પણ ‘હું જીતીશ’એમ કહેતો નથી પણ કહે છે કે, ‘વી વેર હેડ ટુ હેડ’.

ટ્રમ્પ એમના પ્રતિસ્પર્ધીને પછાડવા માટેની વ્યૂહરચનાના અંતિમ ચરણમાં એમની મોટામાં મોટી રાજકીય નબળાઈ શોધીને એમને માત ક૨વા કામે લાગ્યો હતો પણ એના બદલે એણે એવું તો બાફ્યું કે, ગામડાંની ભાષામાં કહીએ તો પવનની સામે ચાલવા જતાં એનો ચહેરો અને આંખો કસ્તરથી ભરાઈ ગયાં. એણે પેલી નળિયું ખસ્યું એવી એક અફવા વહેતી મૂકી, જે તથ્યહીન હતી. એણે કહ્યું કે, સ્થળાંતર કરીને અમેરિકા આવીને વસતાં લોકો ઓહાયો રાજ્યના એક નાના ગામમાં કૂતરાં અને બિલાડી જેવાં પાલતુ પ્રાણીઓને મારીને ખાઈ જાય છે. અંતિમવાદી વલણ ધરાવતાં જમણેરીઓની લાગણી જીતવાનો તેનો આ કદાચ પ્રયાસ હતો પણ આજના જમાનામાં એને કદાચ ખ્યાલ નહીં હોય કે સૉશિયલ મિડિયાની શક્તિઓ કેટલી છે?

માર્કેટિંગ મેનેજમેન્ટનો પણ એક સિદ્ધાંત છે. કોઈ નબળી પ્રોડક્ટની તમારે વહેલી ગરદન મરોડવી હોય તો એની વધુ ને વધુ પબ્લિસિટી એટલે કે જાહેરાત કરો. ટ્રમ્પનું આ પોપટવાક્ય એરિઝોના નેવાડા જેવા પશ્ચિમનાં રાજ્યોમાં ‘હઈતિ દેશમાંથી આવતાં માણસો આવું કરી રહ્યા છે’એ હેડલાઇન બની અને ટ્રમ્પનાં ઘણાં બધાં ભાષણોમાં અસરકારક રીતે ઉપસેલા અર્થવ્યવસ્થા અને બૉર્ડર સિક્યોરિટીમાં નિષ્ફળતા મુદ્દે નિશાન તાકવાના બદલે આ મુદ્દો ચાલ્યો. કેલિફોર્નિયામાં પ્રેસ કૉન્ફરન્સમાં ઓહાયો રાજ્યના સ્પ્રીંગફિલ્ડમાંથી આ લોકોને દેશનિકાલ કરશે એવી જાહેરાત પણ કરી. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અને એના સાથી ઉમેદવાર ઓહાયોના સેનેટર જેડી વેન્સ બધાએ સમૂહગાન કરી આ જુઠ્ઠાણાને ફેલાવવાનું કામ કર્યું.

‘અમેરિકાના અમે સત્તામાં આવીશું તો મોટામાં મોટો દેશનિકાલ સ્પ્રીંગફિલ્ડમાંથી આ હેઈતયનોનો કરીશું’, એવી જાહેરાતને કારણે ઓહાયોનાં રહેવાસીઓમાં પણ ચિંતા અને આતુરતાનું મોજું ફેલાયું છે. આ જ વાત લૉસ વેગાસમાં રેલી દરમિયાન ટ્રમ્પે ભાર મૂકીને જણાવી અને કહ્યું કે, જેમ કોઈ લશ્કર આપણા પર આક્રમણ કરે એવા આક્રમણનો આપણે ઇમીગ્રાન્ટ્સની બાબતે સામનો કરી રહ્યા છીએ. ટ્રમ્પે શેખી મારી કે હું તમારો બૉર્ડર પ્રેસિડેન્ટ છું અને હવે પછી બૉર્ડર પ્રેસિડેન્ટ જ બની રહેવા માગું છું. રિપબ્લિકનોના મતે સરહદી સુરક્ષા અને ઇમીગ્રેશન આજે અમેરિકામાં ટોપના રાજકીય મુદ્દાઓ છે અને જે રીતે એમણે બાઇડેનને ‘બૉર્ડર જાર’નું ઉપનામ આપી એની સરહદી સુરક્ષા અંગેની નીતિઓને વખોડી નાખી એ જ હથોડો કમલા હેરિસ પર ઝીંકાવા માટેની આ તૈયારી હતી.

સ્વાભાવિક છે, બાઇડેને એની અત્યંત ઝનૂનપૂર્વક ટીકા કરતાં કહ્યું, ‘અમેરિકામાં આને કોઈ જગ્યા જ નથી અને ટ્રમ્પનાં જૂઠાણાં અટકવાં જોઈએ.’સ્પ્રીંગફિલ્ડના મેયર પણ કહે છે કે, ‘ટ્રમ્પ અને વેન્સ બંનેએ વિચારીને બોલવું જોઈએ. ખાસ કરીને અમારા જેવા શહેરમાં’તેમણે ઉમેર્યું, ‘વી નીડ હેલ્પ, નોટ હેટ’અમારે મદદ ચોક્કસ જોઈએ છે, નફરત નહીં. જો કે ટ્રમ્પ પર આની કોઈ અસર થઈ નહીં. પૉપ ફ્રાન્સીસે પણ ઇમીગ્રેશન ઉપરના આવા અંતિમવાદી વલણ માટે ટ્રમ્પની ટીકા કરી. જો કે તેણે કમલા હેરિસના ગર્ભપાતને ટેકો આપતી વાતને પણ એટલી જ તીવ્રતાથી વખોડી કાઢી. ‘દેર સે આયે દુરસ્ત’ કહેવત અનુસા૨ કમલા હેરિસ સ્પર્ધામાં મોડી ઊતરી પણ ટ્રમ્પ કબૂલ કરે છે કે, બંને હવે ‘હેડ ટુ હેડ’એટલે કે સરખેસરખા પ્રતિસ્પર્ધી બની ચૂક્યાં છે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top