જર્મનીના પરંપરાગત ઠઠ્ઠા કાર્નિવલમાં આ વખતે રોગચાળાની કારણે મોટી જનમેદની ભેગી થવા દેવાઇ ન હતી પરંતુ આમ છતાં તેના ફ્લોટ્સ અનેરું આકર્ષણ જમાવી ગયા હતા.
વિશ્વ નેતાઓ પર વ્યંગ કરતી રચનાઓ સહિતના વિવિધ ફ્લોટ્સ દર વર્ષે યોજાતા આ કાર્નિવલમાં રજૂ કરવામાં આવે છે જેમાં આ વખતે ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીનની ભરપૂર ઠેકડી ઉડાવવામાં આવી છે.
જેક્સ ટિલી નામના એક જાણીતા કલાકારે બનાવેલા ફ્લોટમાં જોઇ શકાય છે કે ડુક્કરને આગ પર ભૂંજવામાં આવતું હોય તે રીતે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને વસ્ત્રો વગર આગ પર ભૂંજવામાં આવી રહ્યા છે અને આગ પર લખેલું છે અમેરિકાને ફરી મહાન બનાવો! બીજા એક ફ્લોટ્સમાં જોઇ શકાય છે કે રશિયામાં પ્રમુખ પુટીનના મજબૂત વિરોધી તરીકે ઉપસેલા નેતા નેવલ્ની પ્રમુખ પુટીનને સખત લાત ફટકારી રહ્યા છે અને પુટીનની જીભ બહાર નીકળી આવી છે અને ડોળા પહોળા થઇ ગયા છે.
કોરોનાવાયરસને લગતો પણ ફ્લોટ છે જેમાં જોઇ શકાય છે કે સામે કોરોનાવાયરસ ઉભો છે અને પાછળ હવામાન પરિવર્તન મોં ફાડીને ઉભું છે અને વચ્ચે પૃથ્વી લાચાર અવસ્થામાં છે.