Editorial

આજે શહીદ થયેલા કારસેવકોની આત્માને સાચી શ્રદ્ધાંજલિ મળશે

500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. 22 જાન્યુઆરીએ એટલે કે આજે રામલલા સંપૂર્ણ હિન્દુ વિધિ-વિધાન સાથે મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યાં છે જો કે આ ક્ષણ લાખો લોકોના બલિદાન બાદ આવી છે. ઈતિહાસ સાક્ષી છે કે 1528માં મંદિર તોડવાના સમયે સંતો અને બાબરની સેના વચ્ચે યુદ્ધ થયું હતું. લખનઉ ગેઝેટિયરમાં જાણવા મળ્યું છે કે 1,74,000 હિન્દુઓની હત્યા બાદ મીર બકી મંદિરને તોડી પાડવામાં સફળ થયો હતો. આ ઘટનાના સેંકડો વર્ષ બાદ જ્યારે રામ મંદિર આંદોલન ફરી શરૂ થયું ત્યારે કોલકાતાના બે ભાઇઓએ બાબરી પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો જોકે તેમણે બાબરી મસ્જિદ પર ભગવો લહેરાવાની કિંમત પોતાનો પ્રાણ આપીને ચૂકવી હતી.

ભગવો લહેરાવ્યાંના ત્રણ દિવસ બાદ રસ્તા પર ઉભા રાખીને કોઠારી બંધુઓની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. રામકુમાર કોઠારી (22) અને શરદ કોઠારી (18) બંને ભાઈઓ હતા. તેઓ કોલકાતાના બારા બજારમાં રહેતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હતા. 1990માં જ્યારે રામ મંદિર આંદોલન શરૂ થયું ત્યારે તેમણે પણ કાર સેવામાં ભાગ લેવા અયોધ્યા જવાનો નિર્ણય કર્યો હતો તે વખતે અયોધ્યામાં રામ મંદિરના કારસેવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો પહોંચી રહ્યા હતા.

કોઠારી ભાઈઓ જ્યારે અયોધ્યા જવા તૈયાર થયા ત્યારે તેમના પિતાએ એમ કહીને અટકાવ્યા કે બહેન પૂર્ણિમાના લગ્ન છે એટલો થોડા દિવસ રોકાઈ જાય પરંતુ બન્નેએ જલદી પાછા આવશે તેવું વચન આપીને ગયા પરંતુ ક્યારેક પાછા ન આવ્યાં. તે સમયે અયોધ્યામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારે અશોક સિંઘલ, ઉમા ભારતી અને વિનય કટિયારની આગેવાનીમાં કારસેવકોનું એક જૂથ વિવાદિત પરિસર તરફ આગળ વધી રહ્યું હતું. લાખો કારસેવકો અયોધ્યા પહોંચી ગયા હતા. એવું કહેવામાં આવે છે કે લગભગ 5 હજાર કારસેવકો વિવાદિત પરિસરમાં પહોંચી ગયા હતા. તક જોઈને કોઠારી બંધુઓ બાબરીના ગૂંબજ પર ચઢી ગયા હતા અને ભગવો લહેરાવી દીધો હતો.

જો કે, તે સમય 1990નો હતો અને ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહની સરકાર હતી. આ સમયે અહીં કારસેવકોને ખૂણેખૂણેથી શોધી કાઢીને જેલને હવાલ કરી દેતા હતાં. કાર સેવકો દિવસો સુધી જંગલમાં સંતાઇને રહેતા હતાં. કેટલાક કાર સેવકો તો અયોધ્યા તરફ કૂચ કરીને નદીઓમાં હોડીમાં સંતાયા હોવાનો પણ કિસ્સો પ્રચલિત હતો. જો કે, તે સમયે એક જ નારો ચાલતો હતો કે, બચ્ચા બચ્ચા રામ કા જન્મભૂમિકે કામ કા. એક જ ભાવના કાર સેવકોની હતી કે, રામજન્મભૂમિ ઉપર જ બાબરી મસ્જિદ બનેલી છે તે કોઇ કાળે ભારત દેશના હિન્દુ ચલાવી લેવા માંગતા હતા.

સંતો મહંતોના ગુરુઓએ શરૂ કરેલી આ લડત તેમના ચેલાઓએ પણ ધર્મયુધ્ધ તરીકે સ્વીકારી હતી અને તેથી જ આજે દેશવાસીઓ તેમની 500 વર્ષ જૂની મનોકામના પૂર્ણ કરવામાં સફળ થયા છે. આ મંદિર નિર્માણ માટે એક નહીં અનેક કાર સેવક શહીદ થયા હોવાના કિસ્સા છે. અયોધ્યાથી પાછા ફરી રહેલા કાર સેવકોને ગોધરા રેલવે સ્ટેશન ઉપર ડબ્બામાં જ સળગાવી દેવા થયા હતાં. આ તો માત્ર કેટલીક જાણીતી વાત છે પરંતુ એવા અનેક કારસેવક છે જેને કોઇ જાણતા નથી પરંતુ આજના દિવસે જ્યારે અયોધ્યાની રામજન્મભૂમિ પર તેમની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે આવા કારસેવકોની આત્માને સાચી શ્રધ્ધાંજલિ મળશે.

Most Popular

To Top