નિશ્ચિત અભ્યાસક્રમ અને વિદ્યામૂલકને (એકેડેમિક) આપણે ભણતર કહીએ છીએ અને સમજીએ છીએ. શું આ સાચું શિક્ષણ છે? જો નક્કી કરેલ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાનો પરમ સંતોષ કેળવી, પરીક્ષા અને વર્ષાંતે પરિણામ આપી દેવાથી, ડિગ્રી પ્રાપ્ત કરી લેવાથી કેળવણી પૂર્ણ થઈ જતી હોય તો આજે સમાજમાં જે વિકૃતિ કે કલ્પના બહારની ઘટનાઓ બને છે તેના પર ક્યારેય પૂર્ણવિરામ ન આવે. માત્ર ટકાવારીને શિક્ષણ સમજતા કે તે માટેની આંધળી દોટ લગાડનારા લોકોનાં સંતાનો શિક્ષિત ગણાશે, ડીગ્રીધારી ગણાશે પણ સંસ્કારી તો….!?
અલબત્ત અભ્યાસક્રમનું મહત્ત્વ નથી એમ હું કહેવા નથી માગતો , પણ માત્ર ને માત્ર પરિણામ કે ટકાવારીને શ્રેષ્ઠતાની પારાશીશી ગણીએ તો આવું શ્રેષ્ઠ પરિણામ મેળવનાર આ જીવનની દોડમાં જરૂર પાછળ રહી જાય છે. એ સત્ય છે.સંઘર્ષના સમયે આવી વ્યક્તિ પોતાની આંતરિક શક્તિને પિછાણી શકતી નથી. તેની પાસે જે જ્ઞાન છે તે પુસ્તકિયું છે. જીવનલક્ષી કેળવણીના અભાવે આવી વ્યક્તિ સમસ્યાના ઉકેલ માટે મથવાને બદલે હતાશ થઈ આપઘાતનું પગલું ભરી જીવનનો અંત લાવે છે. લાખ કે તેથી વધુ રૂપિયાના માસિક પગાર મેળવતા અધિકારીને પણ પ્રમાણિકતાના કે સંતોષના પાઠ ભણવા નથી મળ્યા! એણે તો ઊંચી પોસ્ટ માટે, ઊંચી ટકાવારી માટે માત્ર અભ્યાસક્રમ આધારિત પુસ્તકોનાં થોથાં જ ઉથલાવ્યા છે અને એટલે જ આવા અસંતોષીઓ છાશવારે લાંચ લેતાં પકડાઈ જવાના સમાચારો ચમકતાં રહે છે.
હવે એની પાસે સમાજ મૂલ્યો કે ચારિત્ર્યની અપેક્ષા રાખવી કેટલી ઉચિત? આવું શિક્ષણ મેળવનાર બાળક રાષ્ટ્ર માટે ખોટો સિક્કો જ સાબિત થાય છે. જીવદયા ,પ્રેમ ,રાષ્ટ્રીય ભાવના, પ્રામાણિકતા, વેદના , સહયોગીપણું, ભાઈચારો, સ્વચ્છતા, કુદરતી સંપત્તિનો દુર્વ્યય ના થાય,અન્નનો બગાડ ન થાય આવી પાયાની સમજ પણ શિક્ષણ, શિક્ષક કે શાળા આપવામાં નિષ્ફળ જાય તો શું આને સાચું શિક્ષણ કહેવાય? બાળકોમાં મૌલિક્તા જ ન આવે,જીવન જીવવાનો અભિગમ જ ન કેળવી શકે તો વિચારવું થઈ પડે છે કે શું ભણ્યા ?
સુરત – અરુણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.