Columns

સાચી ખુશી એક નાજુક બેલેન્સ

એક દિવસ નિહાર તેના દાદા પાસે ગયો. ૮૬ વર્ષના દાદા હજી ખડે ખા હતા અને પોતાની ઝવેરીની પેઢી પર જઈને હજી બેસતા. નિહાર દાદા પાસે ગયો ત્યારે દાદા તૈયાર થઈને પેઢીએ જવા નીકળતા હતા. નિહારે કહ્યું, ‘‘દાદા, હું તમને મળવા આવ્યો અને તમે તો જાવ છો.’’ દાદાએ જવાબ આપ્યો, ‘‘ચલ, તું મારી સાથે પેઢી પર …’’ નિહાર બોલ્યો, ‘‘દાદા, હવે તમે રીટાયર થઈને ઘરે મોજ કરો ને. શું કામ રોજ પેઢીએ જાવ છો.’’ દાદા બોલ્યા, ‘‘દીકરા, વર્ષોવર્ષ જે કામ કર્યું છે તેમાં પ્રવૃત્ત રહેવું જ મારી મોજ છે. ચલ, તું મારી સાથે અને કહે આજે દાદાની યાદ કેમ આવી?’’ નિહાર બોલ્યો, ‘‘દાદા, અમારા પ્રોફેસરે કહ્યું કે ઘરમાં જે વૃદ્ધ દાદા -દાદી ,નાના -નાની હોય તેમની સાથે બેસીને રોજ અડધો કલાક વાતો કરવી. તમને ઘણું શીખવા મળશે. એટલે આજે હું તમને મળવા આવ્યો છું અને મળીને જ શીખવા મળ્યું કે કામમાં રહેવામાં મોજ મળે છે.’’

દાદા અને પૌત્ર હસતા હસતા બહાર નીકળ્યા. નિહારે કહ્યું, ‘‘દાદા, હું કાર લઈને આવ્યો છું ચાલો.’’દાદાએ કહ્યું, ‘‘ભાઈ, હું તો રોજ ચાલીને જ પેઢીએ જાઉં છું. તું કાર લઈને જા. હું આવું છું.’’ પેઢી પર પહોંચીને અડધો કલાકમાં દાદાએ પૂજા કરી ,બધું કામ જોયું પછી નિહારને પૂછ્યું, ‘‘તારી ફેવરીટ કોફી મંગાવું?’’ નિહારે કહ્યું, ‘‘ના દાદા, તમે જે પીશો તે પીશ.’’ દાદા બોલ્યા, ‘‘દીકરા હું તો ઉકાળો લઈશ તને ફાવશે?’’ ઉકાળો પીતાં પીતાં દાદા અને પૌત્ર વાતો કરવા લાગ્યા, વાતવાતમાં નિહાર બોલ્યો, ‘‘દાદા, સાચી ખુશી એટલે શું?’’ દાદાએ કહ્યું, ‘‘નિહાર, સાચી ખુશી બહારની કોઈ વસ્તુ કે વ્યક્તિથી નથી મળતી. તે તમારી અંદર જન્મે છે.

તેને અંતરમનથી અનુભવવાની હોય છે.’’ નિહારનો સવાલ રેડી જ હતો, ‘‘દાદા સાચી ખુશી કઈ રીતે અનુભવી શકાય કે મેળવી શકાય?’’ દાદા ઝવેરી હતા. તેમની સામે જ સોના ચાંદી તોળવાનો નાનકડો વજન કાંટો હતો. તે હાથમાં લઈને દાદાએ કહ્યું, ‘‘નિહાર, સાચી ખુશી મેળવવા એક એકદમ નાજુક બેલેન્સ જાળવવું પડે છે… જીવનમાં તને શું જોઈએ છે? અને તારી પાસે શું છે.? આ બે સવાલોના જવાબ વચ્ચે જો બરાબર બેલેન્સ જાળવી શકાય તો સાચી ખુશી અનુભવી શકાય છે.’’ દાદાએ નિહારને એક જ મુલાકાતમાં ઘણી નાની નાની સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top