Columns

સુકુન ભરેલી સાચી ખુશી

એક દિવસ નિધિ અને ધ્રુવી બે કોલેજની સખીઓ ઘણાં વર્ષો પછી મળી.બંને બહેનપણીઓ નજીકના કોફીશોપમાં બેસીને વાતો કરવા લાગી. બંનેએ એકબીજાને પોતાના ઘર અને પરિવાર વિષે જણાવ્યું. ધ્રુવી શ્રીમંત હોટેલિયરને પરણી હતી અને રોજ પેજ થ્રી પાર્ટીઓમાં મહાલતી હતી.બંગલામાં રહેતી હતી. સુખનાં અને ખુશીનાં બધાં જ કારણો અને સાધનો તેની પાસે હતાં અને તે ખુશ પણ હતી.તેના પતિ પાસે સમય ન હતો અને બાળકો પોતાની મસ્તીમાં મસ્ત રહેતાં એટલે તે પણ કિટી પાર્ટીઓમાં બીઝી રહેતી. 

નિધિ અને તેનો પતિ બંને બેન્કર હતાં.સારું કમાતાં હતાં, મહેનત પણ કરતાં સાસુ સસરા અને બાળકો સાથે તે નાનકડા ફ્લેટમાં રહેતી હતી. સુખનાં બધાં સાધનો હતાં અને સાથે સાથે જવાબદારી પણ હતી.તેના મોઢા પર ખુશીની અનોખી ચમક હતી. બંને જણ વાતો કરતાં હતાં ત્યાં નિધિના પતિનો એક પ્રેમભરી શાયરી સાથે મેસેજ આવ્યો. નિધિના મોઢા પર મીઠી પ્રેમભરેલી ખુશી છવાઈ ગઈ.ધ્રુવીએ પૂછ્યું, ‘શું થયું?’ નિધિએ પતિનો મેસેજ બતાવ્યો.ધ્રુવીને મનમાં થયું મારા પતિ પાસે તો ટાઇમ જ નથી તો મેસેજ કયાંથી કરે… નિધિએ પૂછ્યું, ‘શું વિચારમાં પડી ગઈ?’ ધ્રુવી સાચું બોલી, ‘મને મારા પતિનો કયારેય આવો પ્રેમભર્યો મેસેજ આવ્યો જ નથી.

તેમની પાસે ટાઇમ જ નથી.’ નિધિ હસી અને બોલી, ‘તો તું કરી લે મેસેજ …જવાબ આવશે.’ ફ્રેન્ડની વાત માણી ધ્રુવીએ મેસેજ કર્યો અને તરત નહિ પણ અડધો કલાકમાં જવાબમાં બે હાર્ટ ઈમોજી આવ્યાં ….ધ્રુવી ખુશ થઇ ગઈ.આજે એને કૈંક ખાસ અત્યાર સુધી ન અનુભવેલી સુકુનભરેલી ખુશીનો અનુભવ થયો. તેણે પોતાની આ અનુભૂતિ નિધિને જણાવી અને થેન્ક યુ કીધું. નિધિ બોલી, ‘આવી નાની નાની ખુશીઓ જીવનમાં આપણે રોજ મેળવી શકીએ.

જો જરાક કોશિશ કરીએ તો…ક્યારેક સરસ તૈયાર થઈને હું પતિને તેમની બેંકમાં જઈ સરપ્રાઈઝ આપું …તું પણ કોક દિવસ કરી જોજે…અને પતિ પાસે આવી કાનમાં કહે, ‘આ રંગ તારી પર ખીલે છે બહુ સુંદર લાગે છે તો ખુશી જ ખુશી અનુભવાય. હું તો રોજ રસોઈ જાતે જ બનાવું છું અને સસરા કહે, આજે જમવાની મજા આવી, તો એકદમ સુકુનભરેલી ખુશી મળે છે. ક્યારેક તો મારાં સાસુ કહે છે, ‘જા તું બ્યુટી પાર્લરમાં જઈ આવ. આજે રસોઈ હું કરી લઇશ ત્યારે દિલ ખુશ થઇ જાય છે.’ આવી નાની બાબતોમાં ઘણી ખુશી છુપાયેલી છે. તું પણ કયારેક બાળકો માટે કિચનમાં જઈને કૈંક તારા હાથે બનાવજે, પછી તેમની ખુશી અને તારી ખુશી માપજે …કયારેક તારા માટે તેમને શોપિંગ કરવા કહેજે, પછી તેમની ખુશી જોજે.આવા ઘણા નાના નાના રસ્તા છે, જેમાંથી તમે સાચી ખુશી મેળવી શકો છો અને આપી શકો છો.’નિધિએ પોતાની દોસ્તને સાચી ખુશી મેળવવાના રસ્તા સમજાવ્યા.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top