દરેક વ્યકિતના જીવનમાં શ્રધ્ધાનું મહત્ત્વ છે. કવિ ગની દહીંવાલાની એક પંક્તિ ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ” કોઈ પણ કાર્યમાં પોતે પ્રયત્ન કર્યા પછી એવી શ્રદ્ધા છે કે આ કાર્ય પાર પડશે. ખુદનો ભરોસો જેને હોય નહીં તેને ખુદાનો ભરોસો નકામ. શ્રદ્ધાનો જયાં વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી, મહાભારતમાં ક્યાંય વેદ વ્યાસની સહી નથી. આમ, દરેકના જીવનમાં વત્તે ઓછે અંશે શ્રદ્ધા જરૂરી છે, તે જીવનનું ચાલક બળ છે. આજે ભારતનાં કેટલાંય ગામડાંઓમાં શિક્ષણને અભાવે આંધળી શ્રદ્ધા (અંધશ્રધ્ધા) નો વ્યાપ છે. જેમ કે રસી મૂકાવવાથી કંઈ થઈ જશે એવી માન્યતા. જયોતિષમાં એક હદથી વધારે માનવું. કોઇ પણ વ્યકિતને માનસિક સમસ્યા હોય તો તેને ભૂવા પાસે લઇ જવી.તેને ‘વળગાડ ‘ છે એવું માની ડામ દેવડાવવા. નવરાત્રિ વખતે કેટલીક સ્ત્રીઓ ધૂણે છે, તેને માતા આવ્યાં છે એવું માનવું. ૧૩ ના અંકને અપશુકનિયાળ માનવો. અમાસને દિવસે ચકલે વડાં નાંખી ઘરનો કકળાટ કાઢવો. વૈભવલક્ષ્મી વ્રત દ્વારા ઘરમાં લક્ષ્મી આવે એવી માન્યતા. કુંડળીમાં આવતાં ‘મંગળ દોષ અને કાલસર્પદોષ વિશેની માન્યતા. ‘વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની કાયાપલટ કરવી, ઋતુ ચક્રમાં આવેલી કન્યા- સ્ત્રીને અસ્પૃશ્ય માનવી.આ અને આવી કેટલીય ખોટી માન્યતાઓ ડૂબાડે છે.
સુરત – વૈશાલી જી. શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.