કુરાન એક એવું જ શાસ્ત્ર છે, જેવા વેદ, જુનો કરાર તથા નવો કરાર શાસ્ત્રો છે. ફરક માત્ર એ છે કે કુરાન પાછલા તમામ શાસ્ત્રોનું પૃથક્કરણ કરે છે જે સત્ય છે, તેને અસત્યથી છુટું પાડી દે છે. અહીં આપણે કુરાને વણવેલા કિસ્સાઓ વિશે વાત કરીશું. કુરાનના તત્કાલીન વિરોધીઓ કુરાન વિશે એમ કહેતા હતા કે તે પણ પુરાણ કથાઓ (અસાતીરૂલ અવ્વલીન) જ છે, પરંતુ કુરાન તેને સત્ય ઘટનાઓ (કસસ) કહે છે. અર્થાત કુરાન એ કથા નહીં, સત્ય ઘટના છે.
કુરાન પાછલા ધર્મશાસ્ત્રો પૃથક્કરણ એવી રીતે કરે છે કે પાછલા ધર્મશાસ્ત્રોમાં કેટલીક વાસ્તવિક ઘટનાઓને કાલ્પનિક કથાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. કુરાન ફરી તેને કથાના બદલે વાસ્તવિકતા તરીકે પ્રસ્થાપિત કરે છે તેમજ પાછલા ધર્મશાસ્ત્રોમાં કેટલીક કાલ્પનિક કથાઓને વાસ્તવિક સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું તો કુરાન ફરી તેને વાસ્તવિકતાના બદલે એક કલ્પના તરીકે સાબિત કરે છે. દા.ત. હમણાં હોળીનો તહેવાર ઉજવાય ગયો. જે હિરણ્યકશિપુ (પિતા) તથા પ્રહલાદ (પુત્ર) વચ્ચે વિવાદની યાદ અપાવે છે. હિરણ્યકશિપુ પોતાને પૂજય તરીકે ઠસાવવા માંગતો હતો અને પ્રહલાદ વિષ્ણુના ભકત હતા. એટલે તેણે પોતાના જ પુત્રને વિશ્વાસઘાત કરી અગ્નિમાં બાળી નાખવાનો કારસો રચ્યો. પરંતુ પરમેશ્વરે તેને બચાવી લીધો. આને કોઇ કથા કહીને ખારિજ કરી દેવાની નથી.
કુરાને આનાથી મળતી આવતી એક સત્ય ઘટના વર્ણવી છે, હઝ ઇબ્રાહીમ અલૈની. તેમણે પણ પોતાના બાપ આઝર સામે જે અનેક દેવપૂજક હતા, બંડ પોકાર્યો હતો અને તેને તથા આખી કોમને એકેશ્વરવાદનો ઉપદેશ આપ્યો. જેના પ્રતિકારમાં પિતા તથા કોમે હઝ ઇબ્રાહીમ અલને આગમાં નાંખી દીધા. આ ઘટનાનો ઉલ્લેખ કરતા કુરાન કહે છે કે અમે (ઇશ્વરે) કહ્યું કે હે આગા તુન ઇબ્રાહીમ માટે શાતાદાયક, સુરક્ષિત બની જા. અને હઝ ઇબ્રાહીમ અલે માટે પણ તે આગ ‘બાગ’ બની ગઇ. યોગાનુયોગ તો જુઓ કે જે રાત્રિએ હોળી પ્રગટાવવામાં આવી તે જ રાત્રીએ ઉપરોકત આયત ‘તરાવીર’ની નમાઝમાં પઠનકરવામાં આવી. વર્તમાન નફરતની આગને આવી સામ્યતાઓ તે ધ્યાનમાં લાવીને ઓલવવાની જરૂર નથી લાગતી?
સુરત- અબરાર અહમદ રફઅત– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.