સેવાલિયા: સેવાલિયામાં ગેસ લાઈનની કામગીરી માટે ખોદવામાં આવેલાં ખાડા યોગ્ય રીતે પુરવામાં આવ્યાં ન હોવાથી તેમાં અવારનવાર વાહનો ફસાવાના બનાવો બની રહ્યાં છે. આથી, પગલા ભરવા માગ ઉઠી છે. ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક એવા સેવાલીયા ગામમાં ગેસ લાઈન નાંખવા માટે થોડા મહિનાઓ અગાઉ ઠેર-ઠેર ખાડા ખોદવામાં આવ્યા હતા. જોકે, ગેસ લાઈન નાંખવાનું કામ પૂર્ણ થયાં બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા પુરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી. જેને પગલે જોખમી બનેલાં આ ખાડાઓમાં અવારનવાર વાહન ફસાઈ જવાની ઘટના બની રહી છે.
દરમિયાન ગુરૂવારના રોજ ગામમાં આવેલ નંદનવન સોસાયટીની બહાર કરિયાણાના ગોડાઉનમાં માલસામાન ભરવા માટે આવેલી એક ટ્રક ખાડામાં ફસાઈ ગયું હતું. વાહનો ફસાવવાની ઘટનાઓ વાંરવાર બની રહી છે. એમાંય વળી આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાથી કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાયું છે. જેને પગલે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. આ અંગે ગ્રામજનો જણાવે છે કે, ખાડા યોગ્ય રીતે પુરવામાં આવ્યાં ન હોવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાય છે અને લોકોને અવરજવર કરવામાં હાલાકી પડે છે. ખાડામાં પટકાવાથી વાહન પર સવારને જીવનું જોખમ ઉભુ થાય છે.