દાહોદ: દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે રાત્રીના સમયે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. એક ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉંઘી રહેલ ચાર જેટલા વ્યક્તિઓ ઉપર ટ્રેલર ટ્રક ચઢાવી દેતાં એકનું ઘટના સ્થળે પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્ને નજીકના દવાખાને સારવાર લઈ રહ્યાં છે. આમ, ચાર જણા ઉપર ટ્રેલર ટ્રકના ચાલકે ગાડી ફેરવી દેતાં ચાર પૈકી બેના મોત નીપજ્યાં છે.
ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રેલર ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. આ દરમ્યાન કાળીતળાઈ ગામે સતી તોરલ હોટલ પાસે રસ્તાની બાજુમાં રાત્રીના સમયે મીઠીં નિંદર માણી રહેલ સંજુભાઈ કશનાભાઈ પરમાર, રણજીતભાઈ ચંદુભાઈ પરમાર, પીન્ટુભાઈ ભુરજીભાઈ ડામોર અને અવિનાશભાઈ દિનેશભાઈ હઠીલા ઉપર ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક ચઢાવી દેતાં તમામ પર ટ્રકના તોતીંગ પૈડા ફરી વળ્યાં હતાં જેમાં સંજુભાઈ પરમારનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અવિનાશભાઈને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન અવિનાશભાઈનું પણ મોત નીપજ્યું હતું જ્યારે રણજીતભાઈ તથા પીન્ટુભાઈને પણ શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તેઓ હાલ દવાખાને સારવાર લઈ રહ્યાં છે. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં મોડી રાત્રે પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા પણ દોડી ગઈ હતી.