મંદિરમાં શ્રદ્ધા હોવી એક અલગ વાત છે. મંદિરે જવું એક અલગ વાત છે અને મંદિરને લીધે પડતી તકલીફ એક અલગ વાત છે.V I P રોડ ચાર રસ્તા પર આવેલા ખાટુશ્યામ મંદિરમાં મહિનામાં કંઈ કેટલાય તહેવારો ઉજવાતા હોય છે. ત્યાં દર્શન કરવા આવનારાંઓને લીધે ટ્રાફિકની એટલી બધી સમસ્યાઓ ઊભી થાય છે કે ટ્રાફિક પોલીસ પણ કંટ્રોલ કરી શકતી નથી. આવા ટ્રાફિકને લીધે ટ્રાફિક પોલીસ BRTS બસને રોંગ સાઇડ જવાની પરમિશન આપે છે અને એ પરમિશન આપવાને લીધે એક વાર અમારો જ અકસ્માત થતાં રહી ગયો.
મંદિર ચાર રસ્તા પર હોવાને કારણે લોકો પોતાના વાહન પણ ત્યાં જ પાર્ક કરે છે અને પાર્કિંગ કરવાની છૂટ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં ત્યાં ચાર રસ્તા પાસે મંદિરની બાજુમાં જ પાર્કિંગનો પોઈન્ટ આપવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા હોવા છતાં વાહનો ઊંચકીને લઈ જવાતાં નથી અને જ્યાં વ્યવસ્થિત વાહનો પાર્ક કર્યાં હોય ત્યાંથી વાહનો ઊંચકી લઈ જઈને દંડની રકમ વસૂલવામાં આવે છે.બીજી મહત્ત્વની વાત એ છે કે ચાર રસ્તા પર પોલીસ ચોકી પણ છે છતાં ટ્રાફિક જામનો કોઈ નિવેડો આવતો નથી. હમણાં હમણાં મંદિરમાં જવા માટે કાર પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે.
મંદિરમાં જવાનો મુખ્ય દ્વાર જો એ બાજુ કરવામાં આવે તો કદાચ સમસ્યાનું થોડું ઘણું નિવારણ આવી શકે. બાકી તો આ સમસ્યાને લીધે પેટ્રોલ અને સમય બંનેનો એટલો બધો વ્યર્થ બગાડ થાય છે કે કલ્પી ન શકાય. આપણા દેશમાં જ્યાં મંદિર માટે કોઈ નિર્ણય લેવાનો હોય તો શ્રદ્ધા વચ્ચે આવી જાય એટલે કેટલાંય લોકોને ભલે ગમે તેટલી તકલીફ પડતી હોય પણ ચલાવી લેવામાં આવે છે અને નિર્ણય લેવામાં વિલંબ જ કરવામાં આવે છે. પરંતુ જો આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તો ત્યાંનાં રહેવાસીઓને ઘણી રાહત થઈ શકે.
સુરત – તૃપ્તિ કલ્પેશ ગાંધી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.