યૂજીન: એલ્ડોસ પોલ વર્લ્ડ એથ્લેટિક્સ (World Athletics) ચેમ્પિયનશિપ ટ્રિપલ જમ્પની (Triple jump) ફાઇનલમાં સ્થાન મેળવનારો ભારતનો પહેલો ટ્રીપલ જમ્પ એથ્લેટ (Athlete) બન્યો હતો. પોલે 16.68 મીટરના જમ્પ સાથે ટ્રીપલ જમ્પની ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. ક્વોલિફિકેશનમાં ગ્રુપ-એમાં છઠ્ઠા અને કુલ 12માં સ્થાને રહ્યો હતો. ટ્રીપલ જમ્પની ફાઇનલ રવિવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે 6.50 વાગ્યે યોજાશે.
વિઝા સમસ્યાના કારણે અહીં થોડા દિવસો પહેલા જ પહોંચેલા પોલનું સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન 16.99 મીટરનું રહ્યું છે અને તે પોલે એપ્રિલમાં યોજાયેલી ફેડરેશન કપ સ્પર્ધામાં મેળવ્યું હતું. આ ઇવેન્ટમાં ભારતના અન્ય બે એથ્લેટ પ્રવીણ ચિત્રાવલ અને અબ્દુલ્લા અબુબકરે પણ ભાગ લીધો હતો, જો કે બંને ફાઇનલમાં સ્થાન મેળવી શક્યા નહોતા. પ્રવીણે 16.49 મીટર જ્યારે અબ્દુલ્લાએ 16.45 મીટરનો જમ્પ લગાવ્યો હતો. ચિત્રાવલ ગ્રુપ-એમાં આઠમા સ્થાને અને કુલ 17માં સ્થાને રહ્યો હતો. જ્યારે અબુબકર ગ્રુપ બીમાં 10માં જ્યારે કુલ 19માં સ્થાને રહ્યો હતો. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે 17.05 મીટરનો ક્વોલિફિકેશન માર્ક રખાયો હતો. ટોચના 12 એથ્લેટ્સને જ ફાઇનલમાં સ્થાન અપાયું હતું.
નીરજ ચોપરા અને રોહિત યાદવ ભાલા ફેંકની ફાઇનલમાં
યૂજીન : ઓલિમ્પિક્સ ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ અહીં પહેલા પ્રયાસમાં જ 88.39 મીટરનો થ્રો કરીને પહેલીવાર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે કવોલિફાઇ કરી લીધું હતું, જ્યારે ભારતના અન્ય એક ભાલા ફેંક ખેલાડી રોહિત યાદવે પણ ટોચના 12માં 11માં સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાઇ કરીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. મેડલના પ્રબળ દાવેદાર નીરજે ગ્રુપ-એમાં ક્વોલિફિકેશનની શરૂઆત કરી હતી અને પહેલા પ્રયાસમાં જ 88.39 મીટરનો થ્રો કર્યો હતો. આ તેની કેરિયરનો ત્રીજો સૌથી શ્રેષ્ઠ થ્રો રહ્યો હતો. તે ગ્રેનેડાના ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ પછી બીજા સ્થાને રહ્યો હતો. પીટર્સે ગ્રુપ બીમાં 89.91 મીટરનો થ્રો કર્યો હતો. નીરજે કહ્યું હતું કે આ સારી શરૂઆત હતી, હું ફાઇનલમાં મારું સો ટકા આપીશ. દરેક દિવસ અલગ હોય છે. અમને એ ખબર નથી કે કયા દિવસે કોણ કેવો થ્રો કરશે. તેણે કહ્યું હતું કે મારા રનઅપમાં થોડી સમસ્યા હતી પણ થ્રો સારો રહ્યો, ઘણાં ખેલાડીઓ સારા ફોર્મમાં છે.
નીરજ ચોપરાનો ક્વોલિફિકેશન રાઉન્ડ માત્ર થોડી મિનીટ ચાલ્યો હતો, કારણકે આપોઆપ ક્વોલિફિકેશન માર્ક તેણે પહેલા પ્રયાસમાં જ મેળવી લીધો હતો અને તેથી બાકીના બે થ્રો ફેંકવાની જરૂર પડી નહોતી. રોહિતે ગ્રુપ બીમાં 80.42 મીટરનો થ્રો કર્યો હતો. તે ગ્રુપ બીમાં છઠ્ઠા અને ઓવરઓલ 11માં સ્થો રહ્યો હતો. તેનો બીજો થ્રો ફાઉલ રહ્યો હતો અને અંતિમ પ્રયાસમાં તે 77.32 મીટરનો થ્રો કરી શક્યો હતો. તેનું સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન 82.54 મીટર રહ્યું છે, જે તેણે ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગત મહિને સિલ્વર મેડલ જીતીને મેળવ્યું હતું. આ સ્પર્ધાની ફાઇનલ હવે રવિવારે ભારતીય સમય અનુસાર સવારે 7.05 વાગ્યે યોજાશે.