સુરત : (Surat) કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ટ્રિપલ તલાક (Triple Divorce Act) બિલ હેઠળ કાયદો પસાર કર્યો હતો, જેથી ઉલ બિદ્દત છૂટાછેડાની ઈસ્લામી પ્રથા હેઠળ કોઈ મુસ્લિમ પરિણીતાઓને સરળતાથી તલાક આપી નહીં શકે અને મુસ્લિમ મહિલાઓને ન્યાય મળી શકે પરંતુ આજે 3 વર્ષ બાદ પણ મુસ્લિમ મહિલાઓને ત્રણ વખત તલ્લાક બોલી છૂટાછેડા આપવામાં આવતા હોવાની ઘટનાઓ બની રહી છે. હવે સુરતમાં એવી ઘટના બની છે જ્યાં એક પતિએ સામાન્ય બોલાચાલીમાં ફોન પર જ ત્રણ વાર તલ્લાક બોલીને પત્નીને છૂટાછેડા આપ્યા છે. આ સમગ્ર મામલે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.
- ઉનમાં રહેતી 22 વર્ષીય ઉજમા શેખે પતિ ફહીમ સૈયદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી
- ઘરખર્ચ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ ફોન પર જ તલ્લાક આપ્યાં હતા
ઉનમાં રહેતા અને ચીકનની દુકાનમાં કામ કરતા યુવકે સામાન્ય બોલાચાલી બાદ પત્નીને ફોન ઉપર ત્રણ વખત તલ્લાક.. તલ્લાક.. તલ્લાક.. કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી મહિલાએ તેની માતા અને ભાઈને જાણ કરતા તેમણે સચિન જીઆઈડીસીમાં ટ્રીપલ તલાક કેસની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉન ખાતે ગુલનાઝનગરમાં રહેતી 22 વર્ષીય ઉજમા શેખના ગત જાન્યુઆરી 2020 માં ફહીમ સૈયદ સાથે થયા હતા. નિકાહના એકાદ વર્ષ પછી સાસુ સાથે બોલાચાલી થતી હોવાથી ફહીમ ઉજમા સાથે અલગ લિંબાયતમાં રહેવા જતો રહ્યો હતો. ફહીમ ઉનમાં નોકરી કરતો હોવાથી તેને આવવા જવામાં દુર પડતા એકાદ મહિના પછી ઉનમાં ભાડે મકાન રાખ્યું હતું. ત્યારબાદ પતિ સાથે ઉજમાનો ઘર ખર્ચ આપવા બાબતે ઘણી વખત ઝઘડો થયો હતો. એક વખત ઘરમાં સાસુનો સામાન પડ્યો હતો. તે વાતને લઈને સાસુ સાથે ફોન પર બોલાચાલી થઈ હતી. જેથી ઉજમાએ તેની માતાને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં ઉજમાએ પતિને ફોન કરીને તે માતાના ઘરે જઈ રહી હોવાનું કહ્યું હતું. પતિ ફહીમે તેની સાથે ગાળા ગાળી કરી ઘરમાંથી પગ બહાર નહીં મુકવા કહ્યું હતું. ઉજમાએ ગાળો આપવાની ના પાડતા તે વધારે ઉશ્કેરાઈ ગયો અને ફોનમાં ત્રણ વખત તલ્લાક.. તલ્લાક.. તલ્લાક.. કહીને ફોન કાપી નાખ્યો હતો. જેથી ઉજમાએ તેના ભાઈ અને માતાને વાત કરતા તેમણે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.