National

રામલલાના સૂર્ય તિલકનું ટ્રાયલ સફળ, કળયુગમાં જોવા મળશે ત્રેતાનો નજારો

અયોધ્યા: રામનવમી (Ram Navami) પર આયોજિત રામલલાના (Ramlala) સૂર્ય તિલકનો આજે 13 એપ્રિલે ટ્રાયલ કરવામાં આવ્યો હતો. આજે આ સૂર્ય તિલક રામલલાના ભાલ ઉપર શોભી રહ્યો હતો. તેમજ તેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. આ તિલકની પ્રક્રિયા માટે રામ મંદિરના (Ram temple) ત્રીજા માળે આખું સેટ અપ કરવામાં આવ્યું હતું. તેમજ આગામી રામનવમીના દિને રામલલાને સૂર્ય તિલક (Surya Tilak) કરવામાં આવશે.

હવે રામનવમીના દિવસે એટલે કે 17 એપ્રિલે બપોરે બરાબર 12 વાગ્યે સૂર્યનાં કિરણોથી રામલલ્લાનું તિલક કરવામાં આવશે. આ પહેલાં ગઇકાલે બપોરે બરાબર 12 વાગ્યે વૈજ્ઞાનિકોની હાજરીમાં ટ્રાયલ કરવામાં આવી હતી, જે સફળ રહી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે રામલલાના સૂર્ય તિલકના ટ્રાયલમાં સૂર્યનાં કિરણો અરીસાની મદદથી ભગવાનના મસ્તક પર પાડવામાં આવ્યા હતા.

રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે સૂર્યતિલક માટેના ઉપકરણને એસેમ્બલ કરતી વખતે અગાવ પણ 9 એપ્રિલે ટ્રાયલ કરવામાં આવી હતી, જે સફળ રહી હતી. જો વૈજ્ઞાનિકોને જરૂરી લાગશે તો શનિવાર અને રવિવારે ફરી એકવાર તેનું ટ્રાયલ હાથ ધરવામાં આવશે.

જણાવી દઇયે કે પાછલા ઘણા દિવસોથી વૈજ્ઞાનિકોની ટીમ મંદિરમાં સૂર્ય તિલક માટે જરૂરી સાધનોને એસેમ્બલ કરી રહી હતી. હવે 17મી એપ્રિલે પણ રામલલાના કપાળ પર કિરણો પડશે અને રામલલાને સૂર્ય તિલક થશે.

કુલ અઢી મિનિટ સુધી આ પ્રક્રિયામાં કિરણોની તીવ્રતા વધુ રહેશે. તેમજ કુલ પાંચ મિનિટ સુધી ભગવાન રામનું સૂર્ય કિરણો દ્વારા તિલક થતું જોવા મળશે. આ સૂર્ય તિલક 75 મીમીનું હશે. તેમજ સૂર્ય અભિષેકના સંચાલન અને સંકલનની જવાબદારી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકીના વૈજ્ઞાનિકોને સોંપવામાં આવી હતી.

આ પ્રક્રિયા માટે વૈજ્ઞાનિકોએ વિવિધ પદ્ધતિઓ વિકસાવી હતી. તેમજ વિશેષ સાધનો તૈયાર કર્યા હતા. તેમાં મિરર, લેન્સ અને બ્રાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ પધ્ધતિના સંચાલન માટે કોઇ પણ પ્રકારની બેટરી કે ઇલેક્ટ્રીસટીનો ઉપયોગ કરવામાં આવશે નહી. દર વર્ષે રામનવમી પર રામલલાનું સૂર્ય તિલક થશે. આ રામનવમી પર 50 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે, જેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top