SURAT

એવું શું થયું કે ટ્રાફિક બ્રિગેડના આખા સ્ટાફને નોકરીમાંથી કાઢી મુકવા માંગણી ઉઠી

સુરત: ગુજરાતભરમાં (Gujarat) ટ્રાફિકના (Traffic) નિયંત્રણ માટે ગુજરાત સરકારની સૂચના મુજબ અલગ-અલગ શહેરોમાં બનાવવામાં આવેલા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના (Traffic Education Trust) માનદ સેવકો ટ્રાફિકની સરળતા માટે પોલીસ ખાતાને મદદ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી TRB જવાનોની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યાં છે. નાગરીકો સાથેના ઘર્ષણ અને ભ્રષ્ટાચારની ફરિયાદ દિનપ્રતિદિન વધી રહી છે. એક બાજુ ગુજરાતભરમાં હોમગાર્ડના (Home Guard ) જવાનોની ઉપલબ્ધતા પુરતી છે. હોમગાર્ડની કામગીરીમાં પણ ટ્રાફિકનું નિયંત્રણની જવાબદારી સમાવેશ કરવામાં આવી છે. છતાં હોમગાર્ડની સેવા ટ્રાફિક નિયંત્રણ માટે લેવામાં આવતી નથી. અને માનદ સેવાના નામે સરકારી ખર્ચે TRB જવાનોને ટ્રાફિક નિયંત્રણ કરાવવા રાખવામાં આવી રહ્યાં છે. આ અંગે સુરત શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા વિગતવાર પત્ર લખીને ગુજરાતભરમાં ટ્રાફિક નિયંત્રણ માટે TRB જવાનોની માનદ સેવા રદ કરીને હોમગાર્ડની સેવા ઉપયોગ કરવા સરકારમાં માંગણી કરવામાં આવી છે.

શું છે માંગણી ?
હોમગાર્ડ જવાનોને ગુજરાતભરમાં પુરતી સંખ્યામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ફરજ સોપવામાં આવતી હોય ત્યારે કરોડોનો ખર્ચ કરીને સરખા કામ માટે TRB જવાનોની ભરતી કરીને સરકાર દ્વારા જનતાના માથે બોજ વધારી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ TRB જવાનોનો ઉપયોગ મોટા પાયે હપ્તાની ઉધરાણી, ઉચ્ચ અધિકારીઓના ઘરમાં ઘર કામ કરાવવા માટે, ડ્રાઈવર તરીકે પોલીસના વાહનો ચલાવવા માટે, રોડ વચ્ચે વાહન ચાલકોને રોકીને માંડવાળ ફી વસુલવા જેવા કામો કરાવી રહ્યા છે.

સરકારના હુકમથી હોમગાર્ડની રચના કરી ફરજ બજાવવા માટે તાલીમ આપ્યા પછી પણ હોમગાર્ડ જવાનોને પુરતું કામ નથી મળતું અને હોમગાર્ડમાં હોવા છતાં અન્ય કામ કરીને પોતાનો અને પરિવારનો ખર્ચ ઉઠાવવાની મજબુરી છે. વધતો જતો ભ્રષ્ટાચાર અને નાગરીકો જોડે થઇ રહેલ ઘર્ષણને ધ્યાને લઇ કહેવાતી માનદ સેવા આપી રહેલા TRB જવાનોની સેવા રદ કરીને કાયદો અને વ્યવસ્થાની ફરજો નિભાવવા તાલીમ મળેલ હજારોની સંખ્યાવાળા હોમગાર્ડને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા હેતુ નિમણુક કરવા અરજદાર દ્વારા માંગણી કરવામાં આવી છે.

TRB જવાનોની સેવા બંધ કરી હોમ ગાર્ડઝ જવાનો ની સેવા ઉપયોગ કરશે તો છેલ્લા 14 વર્ષ થી સરકારને થઇ રહેલો નાણાકીય બોજ પણ ઓછો થવાની સંભાવના પણ છે. આ અંગે યોગ્ય કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં ન આવે તો ભવિષ્યના ન્યાયના હિતમાં કોર્ટમાં પણ જવા અરજદારની તૈયારી છે.

ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડઝની સમાનતા.

  1. ગુજરાત રાજ્યમાં સેવા આપી રહેલા હોમગાર્ડનું મેહકમ 45280 અને હાલ સેવા આપી રહેલા હોમગાર્ડની સંખ્યા 38827 છે. જે પૈકી સુરત જીલ્લામાં હોમગાર્ડઝ જવાનોના 2000 મંજૂર મેહકમ સામે 1642 જવાનો ફરજ બજાવે છે.
    પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીમાંથી અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) દ્વારા “માર્ગ સુરક્ષા નિધિમાંથી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં એન.જી.ઓ. ની મદદથી ટ્રાફિક બ્રિગેડની રચના કરવા તમામ શહેરોને નિર્દેશ આપવામાં આવ્યો છે. સુરત જીલ્લામાં મંજૂર મેહકમ 650 (65 લાખની વસ્તી મુજબ) સામે 1475 TRB જવાનો ફરજ બજાવે છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ સાથે હોમગાર્ડઝ જવાનોનું 6868 મંજૂર મેહકમ સામે 6269 જવાનો ફરજ બજાવે છે. રાજકોટ શહેરમાં હોમગાર્ડઝ જવાનોના 743 મંજૂર મેહકમ સામે 656 જવાનો ફરજ બજાવે છે. વડોદરા શહેરમાં હોમગાર્ડઝ જવાનોના 1663 મંજૂર મેહકમ સામે 901 જવાનો ફરજ બજાવે છે.
  2. માર્ગ સુરક્ષા નિધિમાં સરકારની નવી યોજના હેઠળ સને 2005 થી મોટી રાશી ફાળવવામાં આવે છે. જે માર્ગ સુરક્ષા નિધિમાંથી ટ્રાફિક બ્રિગેડ માટે ખર્ચ કરવા માટે તા. 5-5-2009 ના રોજના પત્રમાં સૂચના આપવામાં આવે છે. વર્ષ 2009થી વર્ષ 2020 સુધી માર્ગ સુરક્ષા નિધિમાં સરકાર દ્વારા રૂ. 64,88,86,996 ની ફાળવણી કરવામાં આવી છે. જેનો ઉપયોગ TRB જવાનોને માસિક ભથ્થું આપવામાં ખર્ચ કરી રહ્યા છે.
  3. TRB જવાનોને ટ્રાફિક ફરજો જેવો કાયદા અને વ્યવસ્થાની ફરજો સોપવામાં આવે છે ત્યારે હોમગાર્ડ જવાનો પાસે રાત્રી ફરજ, ટ્રાફિક ફરજ, ગાર્ડ ફરજ તથા ચુંટણી ફરજ જેવો કાયદો વ્યવસ્થાની ફરજો સોપવામાં આવે છે.
  4. વર્ષ 2018માં 93, વર્ષ 2019માં 96, વર્ષ 2020માં 136, વર્ષ 2021માં 219 અને વર્ષ 2022માં 264 મળીને ફૂલે 808 જેટલા TRB જવાનોને છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચાર અને અન્ય કારણોસર ફરજમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  5. અવારનવાર પબ્લિક અને TRB જવાનોની વચ્ચે થઇ રહેલા ઘર્ષણ અંગે ઘણી FIR પણ નોંધવામાં આવેલ છે. છેલ્લા 1 વર્ષમાં TRB જવાનોના ભ્રષ્ટાચાર અંગે સુરત ટ્રાફિક પોલીસમાં મળેલ ફરીયાદો પૈકી 6 જેટલી ફરિયાદમાં તપાસ પણ થયેલ છે.
  6. ફક્ત ટ્રાફિક નિયંત્રણ કરવાની ફરજ હોવા છતાં TRB જવાનો દ્વારા વાહન ચાલકોને રોકી વાહન અને વાહન ચાલકના ડોક્યુમેન્ટ માગવામાં આવતા ઘણા કિસ્સા બહાર આવ્યા છે.
  7. TRB જવાનો દ્વારા વાહન ચાલકો પાસેથી નિયમ વિરુધ હપ્તો ઉધરાવતો કિસ્સાઓ પણ બહાર આવેલ છે, જે અંગે ઘણા વિડીઓ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.
  8. પોલીસ અધિકારીઓ પોતાના અંગત લાભ માટે હપ્તાની ઉઘરાણી માટે TRB જવાનોનો ઉપયોગ કરી રહ્યા હોવાના ઘણા ઓડીઓ મેસેજ પણ વાયરલ થયેલ છે. જે અંગે પણ પોલીસ ખાતા દ્વારા તપાસો થયેલ છે.
  9. TRB જવાનો અને હોમગાર્ડ જવાનોને એક દિવસનું ભથ્થું તરીકે 300 વેતન ચુકવવામાં આવે છે.

Most Popular

To Top