સુરત : શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની (Transportation) સારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે મનપા (SMC) દ્વારા સિટી બસ (City Bus) સેવા કરોડો રૂપિયાની ખોટ કરીને ચલાવવામાં આવે છે. પરંતુ આ સિટી બસના ડ્રાઇવર-કંટકટરો પુરા પાડતી એજન્સીઓ અન્ટ્રેઇન્ડ અને ગુંડા-મવાલી જેવા સ્ટાફ રાખતા હોવાથી રોજે રોજ શહેરીજનો સાથે ડ્રાઇવર-કંડકટરો દ્વારા તોછડાઇ, ઉદ્ધત વર્તન, અને મારમારી શુદ્ધાંના બનાવો બની રહ્યાં હોય, સારા લોકો સિટી બસમાં જવાનું ટાળી રહ્યાં છે અને મનપાની છાપ પણ ખરડાઇ રહી છે. જો કે મળતિયા એજન્સીઓને ઇજારો આપવામાં આવતો હોય તેમ અધિકારીઓ એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવામાં ધ્રુજી રહ્યાં છે. ઉધના વિસ્તારમાં એક સિટી બસમાં કંડકટરે ટિકિટ માંગનાર મુસાફરને ઢોર માર મારી લોહીલુહાણ કરી દીધાનો વિડીયો વાયરલ થતા સિટી બસ સેવાના સ્ટાફની વધુ એક મવાલીગીરી સામે આવી છે.
એક વિડીયો રવિવારે વાયરલ થયો છે. જેમાં ઉધના રોડ પર એક સિટી બસના કંડકટરે મુસાફર સાથે તકરાર થતા જાહેરમાં ઢોર માર મારી આધેડવયના મુસાફરને લોહી લુહાણ કરી દીધો હતો. લોકોનું ટોળુ ભેગું થઇ જતા બસને રોકી દેવાઇ હતી અને કંડકટરને ઘેરી લેવાયો હોવાનું દેખાઇ રહ્યું છે. હવે મનપાનું તંત્ર આવા કંડકટરોને મુકતી એજન્સી સામે શું પગલા લે છે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લખનીય છે કે, ચાર દિવસ પહેલા સ્ટેશનથી પાલ જતી બસમાં ટિકિટ માંગનાર સિનિયર સિટીઝન સાથે કંડકટરે તકરાર કરતા સ્થાનિક કોર્પોરેટરને બોલાવી કાર્યવાહી કરાવાઇ હતી.
સોળસુંબામાં બમ્પ પરથી બાઈક ઉછળી થાંભલા સાથે અથડાતા સવાર તરૂણનું મોત
ઉમરગામ : સોળસુંબા, ગંગાદેવી રોડ, શ્વેતા એપાર્ટમેન્ટમાં રહેતો રાજકુમાર પ્રદ્યુમન શર્માના મોટાભાઈ ઓમ પ્રકાશનો સાળો વિનિત મનજી શર્મા યુપીથી ફરવા માટે ઉમરગામ સોળસુંબા આવ્યો હતો. રાજકુમાર તેની ઈલેક્ટ્રિક દુકાન સામે બાઈક પાર્ક કરી તેની ચાવી ડ્રોઅરમાં મૂકી હતી. મોટાભાઈના સાળાએ તે ચાવી કાઢી ઓમપ્રકાશના દિકરા ક્રિષ્ના (ઉં.12) સાથે બાઈક લઈને નીકળ્યા હતાં. તેઓ સોળસુંબા, ગંગાદેવી અંબામાતા મંદિર પાસેથી પસાર થતા હતા, ત્યારે બમ્પ પર બાઈક ઉછળી લોખંડના સળિયા સાથે અથડાઈ હતી. જેમાં બંનેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેઓને તરત જ રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વાપી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ક્રિષ્ના શર્માને મૃત જાહેર કર્યો હતો. જે બનાવ અંગેની જાણ ઉમરગામ પોલીસ મથકમાં કરવામાં આવી હતી.